રાજકોટ: નાફેડમાં પણ ઇફકો વાળી થાય તેવા એંધાણ જોવા મળી રહ્યા છે. દેશની અગ્રીમ સહકારી નાફેડની ડીરેક્ટર પદની ચૂંટણીમાં પાંચ ઉમેદવારો મેદાનમાં છે. રાજકોટના સાંસદ મોહન કુંડારીયા, ડિસ્ટ્રિક્ટ બેંકના વાઇસ ચેરમેન મગન વડાવીયા સહિત ભાજપના પાંચ અગ્રણીઓ આ ચૂંટણી મેદાનમાં છે.  ભાજપ તરફથી હજુ કોઈને પણ મેન્ડેટ આપવામાં આવ્યું નથી.


હાલમાં સૌરાષ્ટ્રમાંથી મોહનભાઈ કુંડારીયા અને મગન વડાવીયા ડિરેક્ટર છે. નવા સ્ટ્રક્ચર મુજબ ગુજરાતમાંથી 2  ડિરેક્ટર બની શકે છે. એક બેઠક માટે જેઠાભાઈ ભરવાડ બિન હરીફ થયા છે. આ ચૂંટણીમાં દેશમાં 550 મતદારો છે. જેમા રાજકોટ જિલ્લામાં સૌથી વધુ 150 મતદારો છે. 


નાફેડની ડીરેક્ટર પદ માટેની ચૂંટણીમાં ફરી રાજકોટનો હાથ ઉપર રહેશે તેમ લાગી રહ્યું છે.  આગામી 21 તારીખે નાફેડની ડિરેક્ટર પદ માટેની ચૂંટણી યોજાશે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો છેલ્લો દિવસ છે.  મોહન કુંડારિયા સહિત સૌરાષ્ટ્રના અગ્રણીઓએ નાફેડની ચૂંટણીને લઈ દિલ્હીમાં ધામા નાખ્યા છે.


ઈફ્કોના ડિરેક્ટરની ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો દબદબો જોવા મળ્યો હતો


ઈફ્કોની ડાયરેક્ટની ચૂંટણીમાં સૌરાષ્ટ્રના સહકારી નેતા જયેશ રાદડિયાની જીત થઈ હતી.  બિપીન પટેલ સામે જયેશ રાદડિયાની શાનદાર જીત થઈ હતી.  જયેશ રાદડિયાએ ભાજપના જ સત્તાવાર ઉમેદવારને પછાડી શાનદાર જીત મેળવી હતી.  જ્યેશ રાજડિયાએ 114 મત મળ્યા હતા. કુલ 180 લોકોએ મતદાન કર્યું હતું. બિપીન પટેલને આ ચૂંટણીમાં 66 મત મળ્યા હતા.  ગુજરાત બેઠક પરથી જયેશ રાદડિયા ઈફ્કોના ડિરેક્ટર તરીકે ચૂંટાયા હતા. 


સહકારી ક્ષેત્રમાં જોરદાર ઉલટફેર


જયેશ રાદડીયાએ ભાજપ સામે પડી દાવેદારી  કરી હતી.  જો કે સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હતા. ઈફ્કો ડિરેક્ટરની ચૂંટણીમાં જયેશ રાદડિયાએ શાનદાર જીત મેળવી હતી. 


જીત બાદ જયેશ રાદડિયાએ શું આપ્યું હતું નિવેદન


ઈફ્કોમાં જીત બાદ જયેશ રાદડિયાએ એબીપી અસ્મિતા સાથે ખાસ વાતચીત કરી હતી. જયેશ રાદડિયાએ કહ્યું હતું કે, ખેડૂતોના હિત માટે સારુ કામ કરીશું. હું ભાજપનો જ કાર્યકર છું. 


સૌરાષ્ટ્રના ઇફકોના મતદારો જયેશ રાદડીયાના સમર્થનમાં હતા. સહકારી ક્ષેત્રમાં ખૂબ જ મોટો ઉલટફેર થયો છે. ભાજપે જે વ્યક્તિને મેન્ડેટ આપ્યું હતું તેની કારમી હાર થઈ છે. સહકારી ચૂંટણીમાં સૌરાષ્ટ્રનો જોરદાર દબદબો જોવા મળ્યો હતો.  જયેશ રાદડિયાને આ ચૂંટણીમાં 114 મત મળ્યા છે.  


હાલમાં ભાજપના નેતા દિલીપ સંઘાણી ઇફ્કોના ચેરમેન પદે છે. દિલીપ સંઘાણી ગુજરાત ભાજપના મજબૂત નેતા છે. પાટીદાર સમાજમાંથી આવતા જયેશ રાદડિયા કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા દિગ્ગજ નેતા વિઠ્ઠલભાઈ રાદડિયાના પુત્ર છે. રાજકોટમાં તેમનું ખૂબ જ સારુ વર્ચસ્વ છે. રાદડિયા રાજકોટ જિલ્લા સહકારી બેંકના ચેરમેન છે. જયેશ રાદડિયા જામકંડોરણા જેતપુર બેઠક પરથી હાલમાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે.