ગાંધીનગર : કોરોના વાયરસની મહામારીને લઈ દેશમાં ત્રીજા તબક્કાનું લૉકડાઉન ચાલી રહ્યું છે. ગુજરાત સરકારે સામાન્ય લોકોને વીજ બિલને લઈ મોટી રાહત આપી છે. સરકારે વીજદરમાં પ્રતિ યુનિટ 16 પૈસા ઘટાડાનો નિર્ણય કર્યો છે. અને સરકાર હસ્તકની વીજ કંપનીઓનાં અંદાજે 1.30 કરોડ ગ્રાહકોને ત્રણ મહિના સુધી તેનો લાભ મળશે.


ઊર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું કે, અંદાજે રૂપિયા 310 કરોડની રાહત ગ્રાહકોને થશે. તેમણે જણાવ્યું કે, રાજ્યમાં વીજ વપરાશ કરતાં વીજ ગ્રાહકોને સસ્તાં દરે વીજળી મળી રહે અને વીજ ઉત્પાદન ખર્ચનું ભારણ ગ્રાહકો પર ન પડે તે માટે રાજ્ય સરકારે પોતાના હસ્તકની વીજ કંપનીઓ દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલાતાં ફ્યુઅલ સરચાર્જમાં પ્રતિ યુનિટ 16 પૈસાના ઘટાડાનો નિર્ણય કર્યો છે.

ગ્રાહકો પાસેથી વીજળીના બિલમાં ફ્યુઅલ સરચાર્જ પણ લેવામાં આવતો હતો. ગત ત્રિમાસિક એટલે કે જાન્યુઆરીથી માર્ચ દરમિયાન ફ્યુઅલ સરચાર્જ 2.06 પૈસા પ્રતિ યુનિટ પ્રમાણે વસૂલ કરવામાં આવતો હતો. જે હવે બીજા ત્રિમાસિક એટલે કે એપ્રિલથી જૂન સુધી ફ્યુઅલ સરચાર્જ પ્રતિ યુનિટ 16 પૈસા ઘટાડીને 1.90 રૂપિયા કરી દેવામાં આવ્યો છે.