તાપીઃ ભાજપના પૂર્વ આદિજાતિ મંત્રી અને પૂર્વ ધારાસભ્ય કાંતિ ગામિતની પૌત્રીની સગાઈનો વીડિયો વાયરલ થયો છે. જેમાં કીડયારું ઉભરાઇ એ રીતે લોકો ઉમટી પડ્યા છે અને ડીજેના તાલે ઝૂમી રહ્યા છે. મોટી સંખ્યા માં લોકો ગરબા ગાતા અને નાચતા નજરે ચઢી રહ્યા છે. ગુજરાતમાં અત્યારે કોરોના મહામારી ચાલી રહી છે, ત્યારે સરકારે લગ્નપ્રસંગમાં 100 લોકોને છૂટ આપી છે. તેમજ ફક્ત લગ્નની જ છૂટ છે, એ સિવાયના કાર્યક્રમોને મંજૂરી નથી. આમ છતાં ભાજપના નેતાએ ખાલી સગાઈમાં જ દોઢથી બે હજાર લોકોને નોતર્યા હોવાનું કબૂલ્યું હતું. જોકે, તેમની ધારણા કરતાં વધારે ભીડ ઉમટી પડી હતી.


સગાઈ પ્રસંગે રાખવામાં આવેલા રાસ-ગરબાના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. તેમજ સામાજિક અંતરના ધજાગરા ઉડાવ્યા હતા. જોકે, આ વીડિયો વાયરલ થતાં પોલીસ અને સરકારની કામગીરી સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરત રેન્જ આઇજી દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. આ બધાની વચ્ચે ભાજપના નેતા ગણદેવી પોલીસ સ્ટેશનમાં હાજર થયા હતા.



તાપીમા સગાઈ કાર્યક્રમના પડઘા ગાંધીનગર સુધી પડ્યા છે. રાજ્ય સરકારે આપ્યા તપાસના આદેશ આપી દીધા છે. રાજ્યના ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિહ જાડેજાએ તપાસના આદેશ આપ્યા છે. વિડીયોના આધારે વિશ્લેષણ કરી કાર્યવાહી કરવામાં આવશે.