અમદાવાદઃ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાકમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી કરી છે. જેમાં 15 અને 16 જુલાઈના રોજ વલસાડ, દીવ, દમણ, દાદરાનગર હવેલી અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતમાં આગામી 3 દિવસ સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ 33 ટકા વરસાદ ખાબકી ચૂક્યો છે.

રાજ્યમાં છેલ્લા 12 કલાકમાં કુલ 78 તાલુકામાં હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 4 ઇંચ વરસાદ નવસારીના જલાલપોરમાં થયો છે. નવસારીમાં 3 ઇંચ, ચોર્યાસીમાં 2.75 ઇંચ, બોટાદમાં અઢી ઇંચ, વલસાડ તેમજ પારડીમાં 2.25 ઇંચ વરસાદ વરસ્યો છે. તો દક્ષિણ ગુજરાતની સાથે સાથે સૌરાષ્ટ્રના ગઢડા, સુરેન્દ્રનગરના લખતર, ભાવનગરના ગારીયાધાર ઉપરાંત અમરેલી પંથક જૂનાગઢના મેંદરડા પંથકમાં અડધાથી 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે.

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અમરેલીના રાજુલા અને જાફરાબાદ પંથકમા વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્ર પંથકમાં મેઘમહેર જોવા મળી. જામનગરના લાલપુર તાલુકામાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો. લાલપુર તાલુકાના ભણગોર ગામે ધોધમાર વરસાદ વરસ્યો હતો.

વલસાડના ભાગડાવાડા વિસ્તારમાં વરસાદી પાણી ભરાયું હતુ. માત્ર 2 કલાકમાં પડેલા 2 ઇંચ જેટલા વરસાદના કારણે પાણી ભરાયું હતુ. ગ્રામ પંચાયતની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખુલી હતી.