Fact Check: ક્ષત્રિય સમાજ રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઇને આપેલા નિવેદનને લઇને ક્ષત્રિય સમાજ રૂપાલાનો વિરોધ કરી રહ્યો છે. આ બધા વચ્ચે એબીપી અસ્મિતાના નામે એક પ્લેટ વાયરલ સોશિયલ મીડિયા પર થઇ રહી છે જેમાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિવેદનની વાત કરવામાં આવી છે.
એબીપી અસ્મિતાની તપાસમાં આ વાયરલ પ્લેટ નકલી સાબિત થઇ
એબીપી અસ્મિતાએ વાયરલ થયેલી આ પ્લેટને લઇને તપાસ કરી હતી. એબીપી અસ્મિતાનો લોગોનો દુરુપયોગ કરીને કોઇએ આ નકલી પ્લેટ વાયરલ કરી હોય તેવું સાબિત થયું છે. એબીપી અસ્મિતા લોકોને અપીલ કરે છે કે કોઇએ આ પ્લેટથી ભરમાવુ નહીં. રૂપાણીએ આ પ્રકારનું ક્યારેય કોઇ નિવેદન આપ્યું નથી. એબીપી અસ્મિતાએ આવું નિવેદન પણ ક્યારેય પ્રસારિત કર્યું નથી. પ્લેટમાં જોવા મળતો એબીપી અસ્મિતાનો લોગો જૂનો છે.
એબીપી અસ્મિતાએ પણ વાયરલ થયેલી પ્લેટ મામલે ગંભીર નોંધ લીધી હતી અને વાયરલ થયેલી પ્લેટ નકલી હોવાની સ્પષ્ટતા કરી હતી. એબીપી અસ્મિતાનો જૂનો લોગાનો ઉપયોગ કરીને કોઇ અન્ય વ્યક્તિએ આ પ્લેટ વાયરલ કરી હોવાનું લાગી રહ્યું છે.
નોંધનીય છે કે લોકસભા ચૂંટણીને લઇને ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ગઇકાલે ઉમેદવારીપત્રક ભર્યું હતું. તેમણે હજારો ભાજપના કાર્યકર્તાઓની હાજરીમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. રૂપાલાએ ફોર્મ ભરતા અગાઉ શક્તિ પ્રદર્શન કર્યું હતું. તેમણે જનસભા પણ સંબોધી હતી. બીજી તરફ ક્ષત્રિય સમાજ માંગણી કરી રહ્યો છે કે રૂપાલાની ઉમેદવારી રદ કરવામાં આવે. ક્ષત્રિય સમાજના નેતાઓએ સ્પષ્ટ કર્યું હતું કે તેઓ અન્ય કોઈ સમાધાનના મૂડમાં નથી.
બીજી તરફ ક્ષત્રિય સમાજના આગેવાન અશ્વિનસિંહ સરવૈયાએ નિવેદન આપ્યું હતુ કે 20 એપ્રિલે ક્ષત્રિય સમાજના કોર કમિટીની બેઠક મળશે. આ બેઠકમાં લોકશાહીની રીતે અમે આગળનો રોડમેપ પણ નિર્ણય લઇશું. અમારી માતા બહેનોનું આંદોલન છે, ઘરે ઘરે આંદોલન પહોંચશે. નોંધનીય છે કે રૂપાલાની ટિકિટ રદ્દ કરવાની માંગ સાથે છેલ્લા 14 દિવસથી ઉપવાસ પર રહેલા ક્ષત્રિય સમાજના મહિલા અગ્રણી પદ્મિનીબા વાળાએ પારણા કર્યા હતા. તબિયત બગડતાં રાજપૂત સમાજના આગેવાનોની સમજાવટ બાદ તેમણે પારણા કર્યા છે.