ભુજ: રાજ્યમાં અત્યાર સુધી નકલી ટોલનાકુ, નકલી જજ, નકલી પીએમઓ અધિકારી સામે આવ્યા હતા.  જે બાદ થોડા દિવસો પહેલા જ ગાંધીધામમાં રેડ કરનાર નકલી ઈડી અધિકારીઓ પણ પોલીસને હાથ લાગ્યા છે. તેવામાં હવે નખત્રાણા તાલુકાના કોટડા જળોદર ગામમાં આવેલી રામદેવ ઓનલાઈન પોઈન્ટ નામની દુકાનમાં બનાવવામાં આવતા નકલી ડ્રાઈવિંગ લાયસન્સના કૌભાંડનો સ્થાનિક પોલીસે પર્દાફાશ કર્યો છે.


નખત્રાણા તાલુકાના કોટડા જળોદર ગામનો 22 વર્ષીય આરોપી ભરત ખેતાલાલ મેરિયા નકલી લાયસન્સ બનાવવાના કૌભાંડમાં નખત્રાણા પોલીસને હાથ લાગ્યો છે. આરોપી ગામમાં આવેલી પોતાની રામદેવ ઓનલાઈન પોઈન્ટ (દુકાન પર રામદેવ ટેલિકોમ લખાણ છે) નામની દુકાનમાં બોગસ ડ્રાઈવિંગ લાયસન્સ બનાવી તેનું વેચાણ કરતો હતો. પોલીસ તપાસ દરમિયાન તેની પાસેથી ફેક ડ્રાઈવિંગ લાઈસન્સ મળી આવ્યા હતા. 


પોલીસે તપાસ કરતા આરોપી હાજર મળી આવ્યો હતો. જેના કબ્જામાંથી 10 જેટલા નકલી ડ્રાઈવિંગ લાયસન્સ મળી આવ્યા છે. આ ઉપરાંત લેપટોપમાંથી ડ્રાઈવિંગ લાયસન્સની પીડીએફ ફાઈલો અને લેમીનેશન માટેના પ્લાસ્ટિકના કવર સહીત 35 સફેદ કલરના કોરા કાર્ડ મળી આવ્યા છે.  હાલ તો આ સમગ્ર મામલે  પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.                


રૂપિયા 1 હજારની કિંમતમાં વેચાણ થતું


આ સમગ્ર મામલે નખત્રાણા પોલીસ મથકના પીઆઈ એ.એમ.મકવાણા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે, આરોપી ઓનલાઈન એપ્લીકેશન પીડીએફ એડિટરના માધ્યમથી નકલી લાયસન્સ બનાવ્યો હતો. જેનું વેચાણ રૂપિયા 1 હજારની કિંમતમાં કરવામાં આવતો હતો. પોલીસે આરોપી પાસેથી મળેલા લાયસન્સની ભુજની આરટીઓ કચેરી ખાતે ખરાઈ કરી હતી જે બાદ તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી અટકાયત કર્યા બાદ આજે રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજુ કરવામાં આવશે.


30 જેટલા નકલી લાયસન્સ બનાવ્યા


સ્થાનિક પોલીસે આરોપીને ઝડપી લઇ તેની પાસેથી મળેલા લેપટોપમાં રહેલ પીડીએફ ફાઈલોની તપાસ કરી હતી. તેમજ આરોપીની પ્રાથમિક પૂછપરછ કરવામાં આવી હતી.જેમાં આરોપીએ અત્યાર સુધી 30 જેટલા નકલી લાયસન્સ બનાવી વહેંચ્યા હોવાનો ખુલાસો થયો છે.


આરોપી પાસેથી એચપી કંપનીનું લેપટોપ, ડુપ્લીકેટ લાઈસન્સ, લાઈસન્સ કે અન્ય આધારો છાપવાના કોરા કાર્ડ, પ્લાસ્ટિકના પારદર્શક કવર, એક મોબાઈલ ફોન મળી આવ્યો છે.  


Ahmedabad Blast: સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં થયો બ્લાસ્ટ, બાળક સહિત 3 લોકો ઈજાગ્રસ્ત