જૂનાગઢ: જૂનાગઢ જિલ્લામાં સતત કમોસમી વરસાદના કારણે જગતનો તાત પાયમાલ બન્યો છે. હાલ દરેક ખેડૂતે 10 થી 12 વીઘા માટે એક થી દોઢ લાખ રૂપિયા જેવો બિયારણ, મજૂરી અને દવાનો ખર્ચ મગફળી, ધાણા, સોયાબીન અને કપાસ જેવા પાકની વાવણી માટે કર્યો છે. વળતર રૂપે માત્ર 40 હજાર જેટલું ઉત્પાદન થયું છે ત્યારે ખેડૂતોને મોટુ નુકસાન ઉઠાવવાનો વારો આવ્યો છે . ખેડૂતો સરકાર પાસે વહેલી તકે સહાય મળે તેવી માંગ કરી રહ્યા છે.

કમોસમી વરસાદની અસર માત્ર ખેડૂતના પાક ઉપર જ નહિ પરંતુ માલધારી પર પણ પડી છે. માલધારી અને ખેડૂતે ઢોર માટે વાવેલો લીલો ચારો પણ કમોસમી વરસાદના કારણે નિષ્ફળ ગયો છે. કમોસમી વરસાદથી ખેડૂતોને ખૂબ જ મોટુ નુકસાન થયું છે.

હાલ જ્યારે ખેડૂતો કમોસમી વરસાદના કારણે પાયમાલ બન્યા છે ત્યારે વિરોધ પક્ષ દ્વારા અને ખેડૂત હિત રક્ષક સમિતિ દ્વારા સરકાર પાસે સહાય આપવા અનેક લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે.