Dang : ડાંગમાં એક ખેડૂત પરિવારે પીવાના પાણી માટે ખુબ આકરી મહેનત કરી અને આખરે આ મહેનત અને પરિશ્રમની સફળતા પણ મળી. ડાંગના એક  ખેડૂત પરિવારે પાણી માટે  એક, બે નહીં, પણ પાંચ કુંવા ખોદ્યા છે. 


ગુજરાતનું ચેરાપુંજી, છતાં પાણીની સમસ્યા 
ડાંગ એ ગુજરાતનો ચેરાપુજી છે. ડાંગ જિલ્લામાં ચોમાસા દરમિયાન પુષ્કળ વરસાદ પડે છે પરંતુ ડુંગરાળ અને પથરાળ પ્રદેશને કારણે આ વરસાદી પાણી દરિયામાં વહી જાય છે અને ચોમાસા બાદ અહીંયા પાણીની સમસ્યા સર્જાય છે. સ્થાનિક રાજકારણ પણ એવું કે ગરીબને સહાય થાય તેમ નહિ પણ પોતાનો લાભ પહેલા દેખાય છે.


પાણી માટે લોકોને કરવો પડે છે સંઘર્ષ 
ચોમાસા દરમિયાન 100 ઇંચ થી વધુ વરસાદ વરસતો હોવા છતાં ડાંગ જીલ્લામાં પાણી માટે લોકોએ વલખાં મારવા પડે છે. સિંચાઇ હોય કે રોજિંદા ઘરપવરાશ માટેના પાણી મેળવવા લોકોએ ખૂબ સંઘર્ષ કરવો પડે છે.  સરકાર દ્વારા કરોડો રૂપિયાની અનેક યોજના સાકાર કરવા છતાં બધી યોજનાઓ અહીં કામ આવતી નથી અને છેવટે લોકોએ દૂર દૂર જંગલમાં પાણી માટે ભટકવું પડે છે. ડાંગ જિલ્લામાં મોટા ભાગે દરેક વ્યક્તિ ખેડૂત છે અને તેનાપરજ પોતાના પરિવારનું ગુજરાત ચલાવે છે.


ખેડૂત પરિવારે પાંચ કુંવા ખોદ્યા 
આહવા તાલુકાના વાસુર્ણા ગામના 60 વર્ષીય ખેડૂત ગંગાભાઈ જીવલ્યાભાઈ પવાર સરકાર દ્વારા આપવામાં આવતા કુવા મેળવવા 20 વર્ષથી માંગ કરતા આવ્યા છે જોકે તેમની માંગણી મંજુર ન થતાં તેમણે ખેતરમાં એકલા હાથે કુવા ખોદવાનું શરૂ કરી દીધું હતું. 


પહેલો કુવો 10 ફૂટ ખોદીયા બાદ ખડક નીકળતા  તેનું કામ પડતું મૂકી બીજો  કૂવો ખોદ્યો. તેનું પણ આઠ નવ ફૂટ ખોદકામ કરતા તેમાં પણ ખડક લાગતા ત્રીજા કુવાનું ખોદકામ શરૂ કર્યું હતું. ત્રીજા કુવામાં 15 ફૂટે પાણી નીકળ્યું હતું પરંતુ તે પણ સિંચાઈ યોજનામાં અન્ય ખેડૂતોને ફાળવી દેતાં ગંગાભાઈએ ચોથો કૂવો  ખોદકામ શરૂ કર્યું હતું.


ચોથા કૂવામાં પણ 15 ફૂટે  ખડક લાગતા ચોથા કુવાનું ખોદકામ પણ પડતું મૂકી હાર માન્ય વગર પાંચમા કુવાનું ખોદકામ શરૂ કર્યું હતુ. રાત દિવસ જ્યારે પણ આંખ  ખુલ્લે એટલે આ ખેડૂત પરિવાર કુવાના ખોદકામમાં જોતરાઈ જતો હતો. 


એકલા હાથે 14 મહિના સુધીની સખત મહેનત બાદ 32 ફૂટ ઊંડો કુવો  તૈયાર થઈ ગયો, જેમાં પાણી નીકળતા ગરીબ ખેડૂતની 14 મહિનાની મહેનત રંગ લાવી હતી. ગંગાભાઈનો પરિવાર પાણી દેખાતા ખૂબ ખુશ છે.  ગામના લોકોનું માનવું છે કે જો આ કુવાને પાક્કો બનવવામાં આવે તો કુવાનું પાણી ગામના દરેક લોકોને ઉપયોગી બની રહે તેમ છે.