Ahmedabad : મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે અમદાવાદના મેમનગર વિસ્તારમાં અદ્યતન ટેક્નોલોજીથી સજ્જ અનુપમ 'સ્માર્ટ' સ્કુલનું લોકાર્પણ કર્યું. આ  અવસરે મુખ્યપ્રધાને બાળકોની સાથે બેસીને શૈક્ષણિક પ્રવૃત્તિનું નિરીક્ષણ કર્યું.  બાળકોને જોયફુલ લર્નિંગનો અનુભવ આપવા અહીં કલરફુલ બેઠક વ્યવસ્થા, સુંદર ચિત્રકામ, રમતગમતની વ્યવસ્થા સહિતની સુવિધાઓ છે. 


41,000 થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા : મુખ્યપ્રધાન 
આ અવસરે મુખ્યપ્રધાને કહ્યું કે સરકારી શાળાઓમાં મળી રહેલ આધુનિક સુવિધા અને ગુણવત્તાસભર શિક્ષણને કારણે ખાનગી શાળાઓમાંથી સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવવાનો રિવર્સ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. છેલ્લા આઠ વર્ષમાં અમદાવાદમાં 41,000 થી વધુ બાળકો ખાનગી સ્કૂલમાંથી સરકારી સ્કૂલમાં આવ્યા છે.






રમતગમત મંત્રીઓની પરિષદમાં સીએમનું સંબોધન 
સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે દેશના રાજ્યોના રમતગમત અને યુવા બાબતોના મંત્રીઓની પ્રથમ રાષ્ટ્રીય પરિષદમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહભાગી થયા હતા અને આ અવસરે મુખ્યપ્રધાને સંબોધન પણ કર્યું હતું.


પોતાના સંબોધનમાં મુખ્યપ્રધાને કહ્યું કે  પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ભારતને વિશ્વના સ્પોર્ટ્સ ક્ષેત્રે અગ્રીમ સ્થાન અપાવવાનો રોડમેપ આ પરિષદ તૈયાર કરશે.આજે ગુજરાતમાં તથા દેશમાં રમતગમત અને ફિટનેસ પ્રત્યેની એક નવી જ લહેર ઉભી થઇ છે. આપણા ખેલાડીઓને અદ્યતન તાલીમ મેળવીને વિશ્વ કક્ષાની રમતોમાં ઉજ્જવળ દેખાવની તકો મળી છે. આઝાદીના અમૃતકાળમાં યુવાશક્તિને ખેલકુદ ક્ષેત્રે પ્રોત્સાહિત કરી વૈશ્વિક સ્તરે આગળ લાવવા સરકાર પ્રતિબદ્ધ છે.


સિગ્નલ સ્કૂલમાં 136 બાળકોનો પ્રવેશ 
અમદાવાદમાં હવે સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા બાળકો શિક્ષણથી વંચિત નહિ રહે. રાજ્યમાં હાલ શાળા પ્રવેશોત્સવ ચાલી રહ્યો છે ત્યારે અમદાવાદમાં  સિગ્નલ પર ભિક્ષાવૃત્તિ કરતા 136 બાળકોને AMCની સિગ્નલ સ્કૂલમાં પ્રવેશ આપવામાં આવ્યો છે.  રાજ્યના મુખ્યપ્રધાન  ભુપેન્દ્ર પટેલ અને ગુજરાત હાઇકોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે સિગ્નલ સ્કૂલમાં 136 બાળકોનો પ્રવેશ કરાવ્યો.