Narmada farmers: ખેડૂતોની આવક બમણી થાય તે માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત ચિંતિત છે અને તેને કારણેજ અનેક યોજનાઓ થકી ખેડૂતોને સુવિધા મળે તેવી યોજનાઓ બનાવાય છે પરંતુ નઘરોળ તંત્રની ઉદાસીનતા સરકારની યોજનાઓ પર પાણી ફેરવી દે છે. આવોજ એક કિસ્સો નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકામાં સામે આવ્યો છે.  સરકારની ugpl યોજના અંતર્ગત અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે ખેતરે ખેતરે કુંડી તો બનાવી પણ પાણી માટે હજી પણ વરસાદના ભરોસે રહેવું પડે છે.


આમતો નર્મદા જિલ્લો મોટાભાગે ખેતીનાં વ્યવસાય સાથે સંકળાયેલો છે. જિલ્લામાં રોકડીયા પાકોની સાથે ધાન્ય પાકો પણ થાય છે અને સરકારની વિવિધ યોજનાઓ થકી ખેડૂતોને લાભ પણ મળે છે. વળી આ જિલ્લામાં આવેલ સહુથી મોટી પરિયોજનાં નર્મદા ડેમ વડે સમગ્ર ગુજરાત અને પાડોશી રાજ્યોને પણ પીવા અને ખેતી માટે પાણી પૂરુંપાડવામાં આવે છે. પરંતુ આ નર્મદા ડેમ થી માત્ર 20 કિલોમીટર દૂર તિલકવાડા તાલુકામાં કેનાલ મારફતે પાણી પહોંચાડવામાં આવતું નથી. જેથી આ તાલુકાનાં કેટલાક ગામોનાં લોકો માત્ર વરસાદી ખેતી કરે છે.


જોકે તિલકવાડાનો આ વિસ્તાર ઉબડખાબડ છે અને અહીં કેનાલ માટે યોગ્ય જમીન ન હોવાથીય સરકારની ugpl યોજના અંતર્ગત અંડર ગ્રાઉન્ડ પાઈપલાઈન મારફતે ખેતરે ખેતરે કુંડી બનાવી ખેતરમાં પાણી પહોંચાડવા માટે ખાસ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન અને બેત્રણ ખેતર વચ્ચે એક કુંડી બનાવી હતી. પરંતુ આજ સુધી આ કુંડીમાં પાણી આવ્યું નથી. ખેડૂતોએ આ માટે નર્મદા નિગમની વડી કચેરી સહીત સ્થાનિક આગેવાનો અને પ્રશાશન ને પણ ફરિયાદ કરી પરંતુ પરિણામ મળ્યું નથી .


તિલકવાડા તાલુકાનાં અલ્વા ગામે લગભગ 5 કિલોમીટરનાં વિસ્તારમાં 1 હજાર હેકટર ખેતી માટે અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઈન અને કુંડી નાખવામાં આવી પરંતુ તંત્રે આની દરકાર ના લીધી અને તેને કારણે આજ સુધી આ ખેતરોમાં પાણી આવ્યું નથી. ખાસ કેનાલની સુવિધા ના હોવાથી આવી પાઇપ લાઈન નાખવામાં આવી છે પરંતુ તેમાં પાણી ના આવતા ખેડૂતોએ માત્ર એક ચોમાસુ પાક લેવા મજબુર થવું પડે છે. હવે ખેડૂતોની માંગ છે કે આ વિસ્તારના ખેડૂતોને પિયત માટે પાણી મળે તો તેઓ પિયત આધારિત ખેતી કરી શકે.