બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં વરસાદે વિરામ લેતા ખેડૂતોની પરિસ્થિતિ દયનિય બની છે.  છેલ્લા દોઢ મહિનાથી વરસાદ ન વરસતા ચોમાસુ સિઝનમાં વાવેતર કરેલો પાક નિષ્ફળ જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.  ખેડૂતોની માંગ છે કે ત્વરિત વીજળી 10 કલાક આપવામાં આવે અથવા તો પિયતના પાણી માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે.


બનાસકાંઠા જિલ્લામાં વાવાઝોડા બાદ માત્ર એક વરસાદ વરસ્યો છે.  જિલ્લામાં જો વાત કરવામાં આવે તો અત્યાર સુધી માત્ર 72 ટકા વરસાદ વરસતા હાલ પરિસ્થિતિ દયનિય  બની છે ખાસ કરીને વાત કરવામાં આવે તો ધરતીપુત્રોની ચિંતામાં પણ વધારો થયો છે.  ચોમાસુ સિઝનનું વાવેતર કર્યાના દોઢ મહિનો પસાર થયો  છતાં પણ વરસાદે દસ્તકના દેતા હાલ બાજરી, મગફળી, જુવાર, ગુવાર સહિતના ચોમાસુ પાકમાં ભારે નુકસાન જવાની ભીતિ ખેડૂતોને સતાવી રહી છે.  એક તરફ આઠ કલાક વીજળી મળતા હાલ ખેડૂતોને પિયત કરવું મુશ્કેલ બન્યું છે.  


ખેડૂતોની માંગ છે કે 10 કલાક સરકાર દ્વારા વિજળી આપવામાં આવે તો બીજી તરફ પાણીના તળ 1000 થી 1200 ફૂટ ઊંડા જતા ખેડૂતોને પાણી ખેંચવા ડબલ મોટરનો માર થાય છે.  ત્વરિત સરકાર દ્વારા પાણીની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરાઈ છે.


જિલ્લામાં ખેડૂતોએ વાવાઝોડા બાદ વધુ પ્રમાણમાં વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદે વિરામ લેતા હાલ પાક નિષ્ફળ જવાની ખેડૂતોને ભીતી સતાવી રહી છે.  ધાનેરાના બોર્ડર વિસ્તારના ગામડાઓમાં પણ વરસાદ ના આવતા હાલ વાવેતર કરેલો પાક સુકાઈ જવાનો ડર ખેડૂતોને સતાવી રહ્યો છે. બીજી તરફ વીજળી અપૂરતી અને આઠ કલાકથી પિયત પણ થઈ શકતું નથી જેને લઈને ખેડૂતોની માંગ છે કે તળાવ ભરવામાં આવે કે પછી કેનાલ દ્વારા પાણી પૂરું પાડવામાં આવે તેવી વ્યવસ્થા કરવા ખેડૂતોએ માંગ કરી છે. 



હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી વરસાદની આગાહી  


હવામાન વિભાગ દ્વારા આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, સાબરકાંઠામાં વરસાદની આગાહી છે. સૌરાષ્ટ્રમાં પણ કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ, નવસારી, વલસાડ અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.