મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કહ્યું કે બંધના એલાનમાં કૉંગ્રેસને ક્યાંય પણ ખેડૂતોનો સાથ નહીં મળે. ગુજરાતમાં અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. બળજબરીથી બંધ કરાવનારા આંદોલનકારીઓ સામે કાયદાકીય રાહે કાર્રવાઈ કરવામાં આવશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ આંદોલન ખેડૂતોનું નહીં પણ કૉંગ્રેસનું હોવાનું ગણાવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે કૉંગ્રેસ સહિત દેશના અનેક પક્ષોએ ખેડૂતોના ભારત બંધને સમર્થન આપવાની જાહેરાત કરી છે. રૂપાણીએ ઉમેર્યુ કે 'દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ ખેડૂતોના બંધને સમર્થન આપી રહ્યા છે તેઓ નવેમ્બરમાં જ આ કાયદો લાગુ કરી ચુક્યા છે. ખેડૂતોએ કહ્યું હતું કે આંદોલનને રાજકીય રૂપ નહીં આપીએ પરંતુ રાજકીય પક્ષો આમા કૂદી પડ્યા છે એટલે ખેડૂતોનું તો ખાલી નામ છે બાકી રાજકીય રીતે જ આંદોલન ચાલી રહ્યું છે.'
કેંદ્ર સરકાર દ્વારા તાજેતરમાં લાગુ કરાયેલા કૃષિ કાયદાના વિરોધમાં ખેડૂતોએ આવતીકાલે મંગળવારે 8 ડિસેમ્બરના ભારત બંધનું એલાન આપ્યું છે. અમદાવાદ પેટ્રોલ પમ્પ એસોસિયેશન દ્વારા ભારત બંધના મામલે મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. ગુજરાતના તમામ પેટ્રોલ પમ્પધારકોનું ભારત બંધને સમર્થન નથી. ગુજરાતમાં આવતીકાલે તમામ પેટ્રોલ પંપ ચાલુ રહેશે.