Farmers Protest : ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કિસાન સંઘ દ્વારા સરકાર સામે આંદોલન ચલાવાઈ રહ્યું હતું. ત્યારે આજે ખેડૂતોની માંગણીઓને લઈને ગુજરાત સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ પત્રકાર પરીષદ યોજીને ખેડૂતોના હીતમાં કેટલાક નિર્ણયો જાહેર કર્યા હતા. તેમણે કહ્યું કે, સ્વૈચ્છિક લોડ વધારવાનો સરકારે નિર્ણય લીધો છે. બોરવેલ પર વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજ કંપનીની રહે છે. કિસાન સંઘે ધરણા પર ઉતરવું પડ્યું તેનું દુઃખ છે. કિસાન સંઘના આગેવાનો સાથે બેસીને કેટલાક નિર્ણયો કર્યો છે. ચર્ચાથી જ પ્રશ્નોનો ઉકેલ આવે છે. બેઠક પછી કિસાન સંઘનું આંદોલન સમેટાયું હોવાનો દાવો જીતુ વાઘાણીએ કર્યો હતો. 


વાઘાણીએ જણાવ્યું હતું કે, મીટર આધારિત બોરવેલના વીજબીલ દર બે મહિને બિલિંગ લેવા અંગે નિર્ણય લીધો છે.  રાજ્ય સરકારે સ્વૈચ્છિક લોડ વધારવાની માંગણી સ્વીકારી છે. બોરવેલ પર જો વીજ મીટર બળી જાય તો તેની જવાબદારી વીજકંપનીની જવાબદારી છે. ચાલુ ખેતીવાડી વીજ કનેક્શનમાં સિક્યુરિટી ડિપોઝિટ જમા હોય તો નામ બદલવા સીધી લીટીના વારસદારો અથવા આડી લીટીના ખેડૂતો મીનીમમ 300 રૂપિયાનો ચાર્જ લઈને વીજ કનેક્શનમાં નામ બદલી આપવાનો પણ નિર્ણય લેવાયો છે. 


તેમણે કહ્યું કે, ખેડૂતોને જે લો વોલ્ટેજની સમસ્યા હતી, એના માટે વીજ કંપની સાથે બેસીને સમસ્યા દૂર કરવાનો નિર્ણય કર્યો છે. ખેતીવાડીમાં 657 પરિપત્ર મુજબ જે ખેડૂતોએ લોડ વધાર્યો કર્યો છે, જે 100 કિલો વોટથી ઉપર છે, તેવા ખેડૂતોને 200ની ટીસી ખેતીવાડી ભાવે મંજૂર કરવાનો નિર્ણય પણ કર્યો છે.


ડીપ ઇરિગેશન સિસ્ટમમાં જીએસટી નાબૂદ કરવી અને 90 ટકા સહાય આપવાની વાત હતી. એમાં 85 ટકા સહાય આપવાનો નિર્ણય કર્યો છે. જે વિસ્તારો ડાર્ક ઝોનમાં છે તેમના માટે નિર્ણય કરાયો છે. જીએસટી સરકાર ભોગવશે.