પોરબંદર: પોરબંદર જિલ્લામાં છેલ્લા 24 કલાકથી ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.  જળબંબાકારની સ્થિતિ વચ્ચે ભારવાડા ગામના વાડી વિસ્તારમાં સાત  ખેતમજુરો ફસાયા હતા.  ખેત મજુરે ફાયર બ્રિગેડના કન્ટ્રોલ રૂમમાં ફોન કરીને જાણકારી આપતા ફાયર વિભાગે તાત્કાલિક તમામ લોકોને બચાવવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ હતુ.


રાતના અંધારામાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન


ફાયર વિભાગે બોટના માધ્યમથી પૂરગ્રસ્ત વિસ્તારમાં પહોંચીને રાતના અંધારામાં દિલધડક રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યુ. આ ઉપરાંત બગવદરના કિંદરખેડા વચ્ચે વાડી વિસ્તારમાં મકાનની છત પર આશ્રય લઈ રહેલા એક જ પરિવારના બે સભ્યોનું રેસ્ક્યુ કર્યુ હતું.  આ ઉપરાંત રાણાવાવ શહેર અને તાલુકામાંથી બે લોકોનું રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું હતું. 




ફાયરના જવાનોએ તાત્કાલિક પહોંચી દંપતિને બચાવ્યું


આ તરફ પોરબંદરની શિમલા આઈસ ફેકટરી પાસે ઓરિએન્ટ ફેક્ટરી નજીક નીકળતા વોકળામાં વયોવૃદ્ધ અપંગ પતિ-પત્ની રીક્ષામાં ફસાઈ ગયા હતાં. પાણીનો એટલો તેજ ગતિએ પ્રવાહ વહી રહ્યો હતો કે દંપતિ બેઠુ હતુ તે રીક્ષા પણ તણાઈ જાય તેવી સ્થિતિ હતી. ફાયરના જવાનોએ તાત્કાલિક ત્યાં પહોંચી દંપતિને બચાવી લીધુ હતું.  આખી રાત ફાયર વિભાગના જવાનોએ જીવનો જોખમમાં મુકીને વાડી વિસ્તારમાં ફસાયેલા 11 લોકોનું રેસ્ક્યુ કરીને જીવ બચાવ્યો હતો. 


પોરબંદરમાં ફાયરના કર્મચારીઓએ રોકડીયા હનુમાન સામે મફતીયાપરામાંથી 13  લોકોના રેસ્ક્યૂ કર્યા છે.  13 લોકોને રેસ્ક્યૂ કરી અને સલામત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવ્યા હતા.  આ લોકોના ઘરમાં પાણી ફરી વળ્યા હતા.  


પોરબંદર જિલ્લામાં જળબંબાકાર


પોરબંદર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં રાત્રીથી વહેલી સવાર સુધી સાંબેલાધાર વરસાદ વરસ્યો છે.  છેલ્લા 24 કલાકમાં પોરબંદર જિલ્લામાં 14 ઈંચ વરસાદ વરસ્યો છે.  શહેરના છાયા ચોકી, સુદામા ચોક, એસવીપી રોડ પર  ગોઠણડૂબ તો ક્યાંક કેડસમા પાણી ભરાયા છે.  પોરબંદરમાં ધીમીધારે વરસાદ હજુ યથાવત છે.  માત્ર રાત્રીના જ પોરબંદર શહેરમાં છ ઈંચ, રાણાવાવમાં સાડા છ ઈંચ વરસાદ નોંધાયો હતો.


રેલ વ્યવહાર ખોરવાયો


રાજ્યમાં ભારે વરસાદને કારણે રેલ વ્યવહાર ખોરવાયો છે.  પોરબંદરમાં  ભારે વરસાદને કારણે રેલ વ્યવહારને અસર થઈ છે.  3 ટ્રેનો સંપૂર્ણપણે રદ્દ કરાઈ છે.  જ્યારે 3 ટ્રેન આંશિક રીતે રદ જ્યારે 2 ટ્રેન ના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.  પોરબંદર ભાણવડ પોરબંદર, પોરબંદર ભાવનગર પોરબંદર, પોરબંદર કાનાલુસ પોરબંદર આજના દિવસે સંપૂર્ણપણે રદ રહેશે.  રાજકોટ પોરબંદર એક્સપ્રેસ જેતલસર સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.  દિલ્હી સરાઇ રોહિલ્લા એક્સપ્રેસ ટ્રેન ભાણવડ સ્ટેશન પર શોર્ટ ટર્મિનેટ કરવામાં આવશે.