વલસાડ: ગુજરાત મોડેલની ચર્ચા આખા દેશમાં થાય છે ત્યારે આર્થિક પ્રશ્નને લઈને એક દીકરીના લગ્ન અટક્યા હોય તેવા પહેલો કિસ્સો બન્યો છે. હાલ તો એક માતાએ બંને પુત્રી સાથે જેમાંથી એક પુત્રીના લગ્ન થવાના હોય તેની સાથે પોતાનું ઘર પણ છોડી દીધું છે. આ ઘટના સામે આવી છે વલસાડના ખેરલાવ વિસ્તારમાં.
આ અંગે વિગતે વાત કરીએ તો, ખેરલાવ સામર ફળિયામાં રહેતા રસિકભાઈ રડકાભાઈ પટેલની ત્રણ દીકરીઓ પૈકી વચલી દીકરી હિરલના લગ્ન અંભેટી ખાતે નક્કી થયા હતા અને આજથી પાંચ દિવસ બાદ એટલે કે, તારીખ 27 5 2023 ના રોજ લગ્ન લેવાના હોય તમામ તૈયારીઓ થઈ ગઈ હતી. તારીખ 25/ 5/ 2023 એટલે કે આજે ચાંદલાની વિધિ હોય પિતા રસિકભાઈ હોંસે હોંસે મંડપ બાંધવાની તૈયારી કરી રહ્યા હતા.અને એ જ સમયે માતા મંજુલા તથા બંને દીકરી હિરલ અને સાલીની ત્રણેય પિતા રસિકભાઈને અંબાચ બ્યુટી પાર્લરમાં જઈએ છીએ કહી ઘરેથી નીકળી હતી.
જો કે, સાંજ થવા છતાં ત્રણે માતા પુત્રીઓ ઘરે પરત ન ફરતા પિતા રસિકભાઈએ પુત્રી હિરલને મોબાઈલ ફોન કરતા તેનો ફોન પણ સ્વીચ ઓફ આવતા કઇક અજુક્તું બન્યું હોવાનું સમજી સમગ્ર લગ્નનો માહોલ ગમગીનીમાં ફેરવાઈ ગયો હતો. કુટુંબીઓ ત્રણેય માતા પુત્રીઓને શોધવામાં જોડાયા હતા. અનેક જગ્યાએ સગા સંબંધીઓના ઘરે શોધી થાક્યા બાદ પિતા રસિકભાઈએ આજે પારડી પોલીસ સ્ટેશન આવી આ ત્રણેય માતા પુત્રીઓ ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.
હવે આ સમગ્ર મામલાને લઈને દુલ્હન અને માતા પુત્રી ત્રણેય લોકો મળી આવ્યા છે. માતા તેની બંને પુત્રીને લઈને પોતાના પિયરમાંથી મળી આવ્યા છે. એબીપી અસ્મિતા દ્વારા માતા સાથે વાતચીત કરતા તેમણે જણાવ્યું હતું કે, દીકરીના લગ્ન રાજી ખુશીથી ગોઠવ્યા હતા પરંતુ પૈસાની સગવડ ન થતા આર્થિક બાબતને લઈને તેઓ માનસિક દબાણમાં આવી ગયા હતા અને તેઓએ ઘર છોડી મૂક્યું હતું. તેમના દ્વારા બંને દીકરી હિરલ અને સાલીનીને લઈ વાપી તરફ પ્રયાણ કર્યા હતું અને ત્યારબાદ તેઓ તેમના પિયરમાં આવ્યા હતા. જ્યાં પણ તેઓ આવ્યા બાદ તેમને કોઈ શોધવા આવ્યું હોય અને તેમને મારશે તેવા ડરથી તેઓ ઘર બહાર જ રહ્યા હતા અને આખી રાત જ બહાર વિતાવી હતી.
માત્રને માત્ર દીકરી હિરલના લગ્નમાં આર્થિક પ્રશ્નો અને પતિ સાથેની બોલાચાલીને લઈને તેમણે આ પગલું ભર્યું હોવાનું બહાર આવ્યું છે. હાલ તો લગ્ન પ્રસંગ મોકૂફ જ રાખવામાં આવ્યો છે પરંતુ આર્થિક પ્રશ્નને લઈને આજે એક દીકરીના લગ્ન ન થઈ શક્યા હોવાનું દેખાઈ આવે છે.. પારડી પોલીસ દ્વારા માતાને દીકરીનું નિવેદન લઈ હાલ વધુ તપાસ હાથ ધરાય છે.