ગાંધીનગર: રાજ્યમાં આગામી 5 દિવસ રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. થન્ડર સ્ટોમના કારણે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. પવનમાં ભેજનું પ્રમાણ વધતા લોકો બફારાથી પરેશાન થઈ રહ્યા છે. અને આગામી 5 દિવસ તાપમાન યથાવત રહેશે. જોકે 39 થી 40 ડીગ્રી આસપાસ તાપમાન રહશે તાપમાન સામાન્ય હોવા છતાં પણ લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી રહ્યા છે.
છેલ્લા ઘણા દિવસોથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે. અનેક વિસ્તારમાં સામાન્યથી મધ્યમ વરસાદ પણ થયો છે. ત્યારે એક સાકલોનીક સર્ક્યુલેશન સક્રિય થયું છે. જેના કારણે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં સામાન્યથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
આજે થન્ડર સ્ટોમ એક્ટિવિના કારણે 30 થી 40 કિલોમીટર પવન ફૂંકાશે અમદાવાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, બોટાદ, દમણ દાદરા નગર હવેલી,મહીસાગર, દાહોદ,પંચમહાલ, ખેડા,આણંદમાં ભારે પવન અને ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે.
આવતીકાલે હવામાન વિભાગ દ્વારા અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ,પોરબંદર, રાજકોટ, દિવ, સુરત, ભરૂચ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, ભાવનગરમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
શુક્રવારે રાતે નવ વાગ્યે અમદાવાદ શહેરમાં પવન અને વિજળીના કડાકા ભડાકા સાથે વરસાદનું આગમન થયુ હતું. જોત જોતમાં વરસાદ એટલો તેજ થયો કે અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. રાણીપ, ન્યુ રાણીપ, સુભાષબ્રિજ, બોડકદેવ, વસ્ત્રાપુર આસપાસના વિસ્તારોમાં તો એક કલાકની અંદર સરેરાશ બે ઈંચ જેટલો વરસાદ વરસ્યો. તો એસજી હાઈવે, ઘાટલોડિયા સહિતના વિવિધ વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો હતો.
ધોધમાર વરસાદ વરસતા અમદાવાદ મહાનગર પાલિકાની પ્રિ મોનસૂન કામગીરીની પણ પોલ ખોલી નાંખી. માત્ર એક કલાકમાં વરસેલા સરેરાશ એક ઈંચ વરસાદમાં ઠેર ઠેર પાણી ભરાયા, ઠેર ઠેર વૃક્ષો ધરાશાયી થયા. તો બોપલ, ઘુમા, વિવેકાનંદ, બાકરોલ, સનાથલ સહિતના વિસ્તારોમાં થોડા સમય માટે વીજ પૂરવઠો પણ ખોરવાયો હતો.