રામનવમીના દિવસે ખંભાતમાં થયેલા પથ્થરમારાની ઘટનાને લઈ પોલીસે તપાસ ઝડપી કરી છે. તોફાનમાં સામેલ વધુ પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 16 આરોપીઓને જેલને હવાલે કરાયા છે. આ કેસમાં કુલ 57 આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેમાં 16ની અટકાયત કરાઈ છે. જ્યારે 41 આરોપીઓને પોલીસ શોધી રહી છે.


પથ્થરમારામાં સંડોવાયેલા બે મૌલવીઓએ એક શિક્ષક સાથે બેઠક કરી હોવાનો પણ ગઈકાલે પર્દાફાશ થયો હતો. માધવલાલ શાહ હાઇસ્કૂલના શિક્ષક શૈલેષ રાઠોડ સાથે પ્રિંસિપાલની ચેંબરમાં બેઠક યોજાઇ હતી. જેને લઈ પોલીસ શિક્ષકની પૂછપરછ શરૂ કરી છે.  જેથી પોલીસે શિક્ષકને પણ હજુ સુધી ક્લીન ચિટ આપી નથી અને શિક્ષક શૈલેષ રાઠોડને પૂછપરછ માટે ખંભાત પોલીસ સ્ટેશને લઈ જવાયા છે. જો કે PI એમ.જે. ચૌધરીએ માધવલાલ શાહ હાઈસ્કૂલના શિક્ષકની પૂછપરછ કરી ક્લીન ચિટ આપી છોડી દીધા હતા. જેના કારણે પી આઈ એમ જે ચૌધરીની તાત્કાલિક અસરથી ગઈકાલ સાંજે જ બદલી કરાઈ છે. શકરપુર દરગાહ પાસે પથ્થરમારો થયો હતો. જેમાં પોલીસે આ ગુનામાં 57 લોકો સામે એફ આઈ આર નોંધી છે. જેમાં 16 આરોપીની ધરપકડ થઈ છે. જ્યારે 41 આરોપીની ધરપકડ બાકી છે. આ સમગ્ર કેસને લઈ આવતીકાલે આણંદ એસપી વધુ ખુલાસા  કરી શકે છે.


રામનવમીના દિવસે શોભાયાત્રા પર થયેલા હુમલા બાદ વિસ્તારમાં બુલડોઝર ચલાવવામાં આવ્યું છે. આ દરમિયાન ગેરકાયદેસર રીતે બનેલી દુકાનો પર અતિક્રમણ હટાવવામાં આવ્યું છે.  ગેરકાયદેસર સંપત્તિઓ પર કાર્યવાહી કરવામાં આવી છે.  હિંસાના આરોપીઓની પ્રૉપર્ટી પણ ગેરકાયદેસર હોવાની માહિતી પ્રશાસનને મળી છે. જો આ ગેરકાયદેસર છે તો તેને પણ તોડવામાં આવશે.


ખંભાતના શક્કરપુરમાં રામનવમીની શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનામાં પોલીસે ગુનો નોંધ્યા બાદ ધરપકડનો દોર શરૂ કર્યો છે. હાલ મૌલવી સહિત પકડાયેલા શખસોના રિમાન્ડ લેવામાં આવ્યા છે. બીજી તરફ, જે સ્થળે પથ્થરમારો થયો હતો, છેલ્લાં ઘણાં વર્ષોથી અવારનવાર અને વાર-તહેવારે વિસ્તારમાં કોમી તંગદિલી સર્જાય છે, જેને લઇ હવે પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા એના કાયમી નિરાકરણ માટે કવાયત હાથ ધરી છે.