108 ફુટની હનુમાનની મુર્તિઃ આજે હનુમાન જયંતિની ઉજવણી કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે મોરબીમાં 108 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું વર્ચ્યુઅલી અનાવરણ કર્યું હતું. દેશના ચારેય ખૂણે હનુમાનજીની પ્રતિમા બનાવવાનો પ્રોજેક્ટ હાલ ચાલી રહ્યો છે. આ પ્રોજેક્ટના ભાગરુપે મોરબીમાં આજે હનુમાનજીની પ્રતિમાનું નિર્માણ કરવામાં આવ્યું છે જેનું વર્ચ્યુઅલી અનાવરણ પ્રધાનમંત્રી મોદીએ કર્યું છે.
દેશમાં હનુમાનના ચાર ધામ પ્રોજેક્ટઃ
આ પ્રતિમા મોરબીમાં બાપૂ કેશવાનંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવી છે. આખા દેશમાં ભગવાન હનુમાનના ચાર ધામ પ્રોજેક્ટનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ પ્રોજેક્ટ હેઠળ હનુમાનજીની પ્રથમ પ્રતિમા શિમલામાં 2010માં સ્થાપિત કરાઇ હતી. જ્યારે દક્ષિણમાં રામેશ્વરમમાં આવી જ એક પ્રતિમાનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. મોરબીમાં બાપૂ કેશવાનંદ આશ્રમમાં સ્થાપિત કરવામાં આવેલી આ પ્રતિમાનું સતત ત્રણ વર્ષથી નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે.
રામ નામની ચિઠ્ઠીનો સમાવેશઃ
મોરબી શહેરના ભરતનગર પાસે ખોખરા હનુમાન હરિહર ધામ ખાતે સૌથી ઊંચી 108 ફૂટની હનુમાનજીની મુર્તિ સતત ત્રણ વર્ષની અથાગ મહેનત બાદ તૈયાર થઈ છે. આ મુર્તિની વિશેષતા એ છે કે મુર્તિમાં 7 લાખ રામનું નામ લખેલી ચિઠ્ઠીઓનો સમાવેશ કરાયો છે. ખોખરાધામમાં કનકેશ્વરી દેવીના વ્યાસાપીઠ પર ચાલતી રામકથા દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ સહિત રાજયના મંત્રીઓ, કેન્દ્રીય મંત્રીઓ સહિત અનેક ધારાસભ્યો, દેશભરમાંથી સંતો મહંતો, ગૌશાળા સંચાલકો, કથાકારો સહિત વિશાળ સંખ્યામાં અગ્રણીઓએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લીધો છે. આ પ્રસંગે કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમર, ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી કૈલાસ વિજયવર્ગીય, ગુજરાત સરકારના મંત્રી પ્રદીપભાઈ પરમાર, કચ્છ-મોરબી લોકસભા વિસ્તારના સંસદ તેમજ ગુજરાત પ્રદેશ મહામંત્રી વિનોદભાઈ ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.