Gir Somnath : ગીર સોમનાથ જિલ્લાની શિંગોડા નદીમાં ભર ઉનાળે પૂર આવ્યું છે. ગીર સોમનાથ જિલ્લામાં ગીર જંગલ વિસ્તારમાં આવેલા શિંગોડા  ડેમના દરવાજા ખેડૂતો માટે ખોલવામાં આવતા ભર ઉનાળે શિંગોડા નદીમાં પુર આવ્યું છે. 


જામવાળા અને કોડીનારમાં  વહેતી શિંગોડા નદીલાંબા સમયથી પાણી વિના ખાલીખમ હતી અને આજે તેમાં નવા નીર આવતા લોકો આ નજારો જોવા મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. શિંગોડા નદી પર આવેલા કોડીનાર બ્રિજ પર મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને નદીના પાણીને એકીટશે જોઈ રહ્યાં હતા. 






જોરદાર તાપ અને ગરમી વચ્ચે હવે ખેડૂતોના કુવાઓમાં પાણીના તળ નીચે ગયા છે.  કુવાના પાણી તળિયા જાટક થતા ખેડૂતો પોતાના પાકોને બચાવવા શિંગોડા ડેમ તરફ મીટ માંડી બેઠા હતા. આવામાં ડેમનું પાણી છોડવામાં આવે તો તેમના બળી રહેલા  પાકને નવું જીવન મળે. આખરે ખેડૂતોની માંગને ધ્યાને રાખી શિંગોડા  ડેમના દરવાજા ખેડૂતો માટે ખોલી દેવાયા છે. જેને કારણે કોડીનારની સૂકી બનેલી શિંગોડા  નદી ફરી એક વખત વહેતી થઈ છે. 


સામાન્ય રીતે  ચોમાસામાં નદી વહેતી હોય  છે પરંતુ આ વર્ષે ઉનાળામાં  ડેમમાંથી પુષ્કળ પ્રમાણમાં  પાણી છોડવામાં આવતા ભાર ઉનાળે આ નદી વહેતી થઈ છે. જેનો સીધોજ લાભ 20 થીવધુ ગામોના ખડૂતોને થશે. એટલું જ નહીં,  ગ્રામ્ય વિસ્તારોની પીવાના પાણીની સમસ્યા પણ હલ થશે. 


છોટાઉદેપુર : જાનની કારને નડ્યો અકસ્માત
પાવીજેતપુરના બાર ગામ નજીક એક ગોજારો અકસ્માત સર્જાયો છે. લગ્ન વિધિ પતાવી જ્યારે જાન કન્યાને લઈને પરત ફરી રહી હતી ત્યારે રસ્તામાં રાઠવા પરિવારને અકસ્માત નડ્યો હતો. કારચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવતા કાર ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો, જેમા કારમાં સવાર વરરાજાના પિતાનું અવસાન થયું છે. આ કારમં ચાર વ્યક્તિઓ સવાર હતા. અકસ્માતમાં વરરાજાના પિતા જશવંતભાઈ સોમાભાઈ રાઠવાનું મોત થતા પરિવારમાં માતમ છવાયો છે, જ્યારે અન્ય સવાર માનવ ભગવતનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત થયું છે. જ્યારે અન્ય ઇજાગ્રસ્ત હાલ બોડેલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ અંગે કદવાલ પોલીસે મૃતદેહને પીએમ અર્થે બોડેલી સરકારી દવાખાને મોકલી અકસ્માત અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.