CM Bhupendra Patel Rajkot Visit: રાજ્યના સીએમ ભુપેન્દ્ર પટેલ હાલમાં રાજકોટની મુલાકાતે છે. જ્યાં કોંગ્રેસનું પ્રતિનિધી મંડળ મુખ્યમંત્રીને મળવા પહોંચ્યું હતું. જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પ્રતિનિધી મંડળ સાથે બેઠક કરી હતી. આ દરમિયાન પોલીસ વિભાગ, મહાનગરપાલિકા અને શિક્ષણ વિભાગના પ્રશ્નો રજૂ કરવામાં આવ્યા હતા. કાયમી પોલીસ કમિશનરની નિમણુક કરવાની માગ પણ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇ મેમો, નવા ભળેલા વિસ્તારોમાં પ્રાથમિક સુવિધાઓ ઉભી કરવા તથા પાણીની સમસ્યા હલ કરવાની માગ, શિક્ષણમાં ફી વધારો અને મોંઘવારી મુદ્દે પણ રજૂઆત કરવામાં આવી હતી. જે કોંગ્રેસ નેતાઓ સીએમ સાથે બેઠક કરવા પહોંચ્યા હતા તેમા હેમાંગ વસાવડા, ગાયત્રીબા વાઘેલા, શહેર પ્રમુખ પ્રદીપ ત્રિવેદી, મહેશ રાજપુત અને વિરોધ પક્ષના નેતા ભાનુબેન સોરાણીનો સમાવેશ થાય છે.


 



જો કે, ફક્ત કોંગ્રેસના નેતાઓ સાથે જ નહીં પરતું આમ આદમી પાર્ટીના નેતાઓ સાથે પણ મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે. આમ આદમી પાર્ટીના નેતાઓને પણ મુખ્યમંત્રીએ સમય આપ્યો હતો. આમ આદી પાર્ટીના નેતાઓ રાજકોટના બ્રિજના કામો, ફી વધારાનો મામલો, આઉટ સોર્સ અને સિવિલ હોસ્પિટલમાં કાયમી ન્યુરો સર્જનની નિમણુંક જેવી બાબતોને લઈને રજૂઆત કરી.


આ રાજકોટ મનપા ખાતે મુખ્યપ્રધાનની બેઠક પૂર્ણ થઈ છે. સીએમ ભુપેન્દ્ર પટેલે આ દરમિયાન કોર્પોરેટરોને પ્રજા વચ્ચે રહેવા સૂચના આપી છે. તમામ વિકાસ કાર્યો સમય મર્યાદામાં પૂર્ણ કરવા અધિકારીઓને સૂચના આપી છે. મનપાના ઈતિહાસમાં પ્રથમ વખત કોઈ મુખ્યપ્રધાને બેઠક યોજી છે. આ બેઠકમાં તમામ કોર્પોરેટર હાજર રહ્યા હતા.


નરેશ પટેલ દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યા
અમરેલી:  પાટીદાર આગેવાન નરેશ પટેલ દિલીપ સંઘાણીને મળવા પહોંચ્યાં હતા. જો કે આ કોઈ રાજકીય મુલાકત નહોતી. ભાજપ નેતા દીલીપ સંઘાણીના નાના ભાઇના નિધન બાદ સાંત્વના આપવા પાટિદાર આગેવાન નરેશ પટેલ પહોંચ્યાં હતા. નરેશ પટેલ સાથે કોંગ્રેસના ધારાસભ્ય પ્રતાપ દુધાત અને જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ જોડાયા હતા. આ ઉપરાંત શરદ ધાનાણી, સુરેશ કોટડીયા સહિતના કોંગ્રેસના આગેવાનોએ પણ દિલીપ સંઘાણીને સાંત્વના પાઠવી હતી. દીલીપ સંઘાણીના રાજકીય હરિફોએ તેમના લઘુબંધુના નિધન પર શોક પ્રગટ કર્યો હતો. તમને જણાવી દઈએ કે નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાવાની વાતો ઘણા સમયથી ચાલી રહી છે ત્યારે આ અંગે જ્યારે દિલીપ સંઘાણીને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે નરેશ પટેલ વિરુદ્ધ નિવેદન આપ્યું હતું. આમ છતાં દીલીપ સંઘાણીને ત્યા આવેલ દુઃખની વેળાએ ભાજપ અને કોંગ્રેસ અને અન્ય આગેવાનો એક સાથે જોવા મળ્યા હતા.