Chhotaudepur  છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં નલ સે જલ યોજનામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાના સમાચાર મળી રહ્યાં છે. નલ સે જલ યોજના હેઠળ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકામાં મોટાપાયે ભ્રષ્ટાચાર થયાનું ખુદ ભાજપના જ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષે બહાર લાવ્યું છે. કારોબારી અધ્યક્ષ પીન્ટુ રાઠવાએ ગોજારીયા ગામની મુલાકાત લઈ અધિકારીઓની સામે જ હલકી ગુણવત્તાની કામગીરી સાબિત કરી છે. 


સમગ્ર દેશમાં ઘરેઘર પીવાનું પાણી પહોંચાડવા માટે નલ સે જલ યોજના હેઠળ કામગીરી પૂરજોશમાં થઈ રહી છે તો બીજીતરફ અધિકારીઓ અને ઈજારદારો દ્વારા ભ્રષ્ટાચાર આચરી પોતાના ખિસ્સા ભરવાની પણ હોડ લાગી છે. ખુદ ભાજપના જ છોટાઉદેપુર જિલ્લાના કવાંટ તાલુકા પંચાયત કારોબારી અધ્યક્ષે ગામની મુલાકાત લઈ અધિકારીઓની હાજરીમાં હલકી કામગીરીની પોલ ખોલી હતી. 


ગ્રામજનોની ફરિયાદને લઈ કારોબારી અધ્યક્ષ પીન્ટુ રાઠવાએ ગોજારીયા ગામની મુલાકાત લીધી અને અધિકારીઓને સ્થળ ઉપર બોલાવી જાહેરમાં જ કામની સમિક્ષા કરી, પિન્ટુ રાઠવાએ સ્ટેન્ડપોસ્ટને હાથ નો ઈશારો જ કરતાં સ્ટ્રક્ચર તૂટી પડ્યા હતાં. તો સિમેન્ટ કોન્ક્રીટ પણ માટી જેમ ખરી પડ્યા હતા.જમીનમાં દબાવવામાં આવેલી પાણીની પાઈપમાં પણ કોઈ ધારાધોરણ જળવાયુ હોય તેવું દેખાયું ન હતું.


તો ગોજારીયા ગામે 43 લાખના ખર્ચે થઈ રહેલી પાણીની કામગીરીના નાણા પાણીમાં ગયા હોય તેવું સાબિત થઈ રહ્યું છે, એટલું જ નહિ ખુદ ભાજપના જ કારોબારી અધ્યક્ષે સમગ્ર તાલુકામાં આધિકારીઓ અને ઈજારદારોની મિલીભગતથી આ રીતે ભ્રષ્ટાચાર આચરી હલકી ગુણવત્તાનું કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો છે


તો બીજી તરફ સ્થળ ઉપર હાજર જવાબદાર વાસમો વિભાગના અધિકારીએ કામગીરી હલકી ગુણવત્તાની થઈ હોવાનું કબુલ્યું હતું અને ઈજારદાર અને એસઓ. સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કહી હતી. પરંતુ નિયમાનુસાર કામગીરી જો અધિકારીના સુપરવિઝન અને મોનીટરીંગ હેઠળ થઈ હોય તો આટલા મોટપાયે ભ્રષ્ટાચાર કેવી રીતે શક્ય છે ? તેવો સવાલ ગ્રામજનો કરી રહ્યા છે.