અમદાવાદ: છેલ્લા 48 કલાકથી મધ્યગુજરાતમાં સાંબેલાધાર વરસાદ વરસી રહ્યો છે. જેને પગલે નર્મદા, ઓરસંગ, તાપી અને વિશ્વામિત્રી નદી ભયજનક સપાટી નજીક પહોંચી જતા પૂરની પરિસ્થિતિ ઉભી થઈ છે. પૂરની સ્થિતિને લઈને અનેક ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે.

છોટાઉદેપુરમાં 6 ઈંચ જેટલો વરસાદ પડતા ઓરસંગ નદી બે કાંઠે વહેવા લાગી છે. જેને પગલે કાંઠા વિસ્તારના ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. છોટાઉદેપુર જિલ્લામાં ગઈકાલથી વરસી રહેલા મધ્યમથી ભારે વરસાદના પગલે ડેમ,નદી-નાળામાં નવા નીર આવ્યા છે.

અત્યારસુધી રાજ્યમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી હતી. સવારના છ વાગ્યાથી સાંજ સુધી રાજ્યના 223 તાલુકામાં વરસાદ પડ્યો છે. મહુધામાં સૌથી વધુ સાડા દસ ઈંચ વરસાદ ખાબક્યો હતો, જ્યાકે નર્મદાના ડેડિયાપાડામાં સાત ઈંચ વરસાદ પડ્યો છે.