નવસારી : હવામાન વિભાગની આગાહીને લઈ તાપી અને ડાંગ જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી નવસારીમાં નદીઓનું રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે. પૂર્ણા, કાવેરી અને અંબિકા નદી તોફાની બની છે. બીલીમોરા નજીકથી પસાર થતી અંબિકા નદીએ ભયજનક સપાટી વટાવી છે. અંબિકા નદીની હાલની સપાટી 32 ફૂટ પર છે. બીલીમોરા શહેરના વડીયા, સીપીઆર, બંદર રોડ પર પાણી ભરાયા છે.
અંબિકા નદીની સપાટી વધતા ગોલગામ સંપર્ક વિહોણું બન્યું છે. અંબિકા નદી કાંઠાના 14 ગામમાં પાણી ભરાવાની શરૂઆત થઈ છે. ભાઠા, કલમઠા વિસ્તારોમાં વાડીઓમાં પાણી ભરાયા છે. ગણદેવી તાલુકાના અંબિકા નદી કાંઠાના 16 ગામને એલર્ટ કરાયા છે. નવસારી શહેરની પૂર્ણા નદી ભયજનક સપાટીની નજીક પહોંચી ગઈ છે. 2 કલાકમાં જ પૂર્ણા નદીની સપાટીમાં 10 ફૂટ જેટલો વધારો થયો છે.
બીલીમોરા પાસે ધમડાછા લો લાઈન બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. ગામિત ફળિયા, ખંભાળિયા ગામના માછીવાડમાં પાણી ભરાયા છે. ઉપરવાસમાં ભારે વરસાદને લઈ નવસારી જિલ્લામાં નદીઓમાં પૂરની સ્થિતિ જોવા મળી રહી છે.
તાપી અને ડાંગ જિલ્લાઓમાંથી પસાર થતી નદીઓના જળસ્તરમાં નોંધપાત્ર વધારો થયો છે, જેમાં પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીઓનો સમાવેશ થાય છે. સોનગઢમાં 8 ઈંચ, જ્યારે વઘઈ, વ્યારા અને વાંસદામાં 7-7 ઈંચ વરસાદ નોંધાયો છે. ઉચ્છલ, ડોલવણ અને સુબિરમાં 5 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે.
નદીઓના વધતા જળસ્તરને કારણે ગામડાઓમાં પાણી ઘૂસવાની શરૂઆત થઈ છે. ગોલ અને સરા જેવા ગામોમાં નદીઓના પાણી ફરી વળ્યા છે, અને ખેતરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેને કારણે ખેતી માટે વધુ એકવાર સમસ્યા ઊભી થઈ છે.
સુરત, નવસારી અને તાપી જિલ્લાના અનેક રસ્તાઓ પર પાણી ફરી વળ્યાં છે, જે લોકોની અવરજવર માટે મુશ્કેલી સર્જી રહ્યાં છે. મહુવા નજીકની નદીના જળસ્તરમાં વધારો થયો છે, અને મહુવાની ઓલણ નદીની સપાટીમાં પણ વધારો નોંધાયો છે, જેના કારણે મહુવાથી અનાવલને જોડતા માર્ગ પર પાણી ફરી વળ્યાં છે. સુરત શહેર અને જિલ્લામાં ભારે વરસાદના કારણે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. વ્યારા અને પદમડુંગળી વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
Ahmedabad Rain: હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદમાં ધોધમાર વરસાદ શરુ થયો