Devayat Khavad politics: ગુજરાતના લોકપ્રિય લોકગાયક દેવાયત ખવડ હવે સ્ટેજ અને કલાની દુનિયા છોડીને રાજકારણમાં સક્રિય થવા માટે ઉત્સુક છે. છેલ્લા બે વર્ષથી તેઓ રાજકીય કારકિર્દી બનાવવા માટે પ્રયત્નો કરી રહ્યા છે અને આગામી ચૂંટણીમાં ધારાસભ્ય બનીને વિધાનસભા પહોંચવા માટે આતુર છે.
દેવાયત ખવડના મામા રામકુભાઈએ એબીપી અસ્મિતા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, દેવાયત ખવડ કઈ બેઠક પરથી અને કયા પક્ષમાંથી ચૂંટણી લડશે, તે અંગેનો અંતિમ નિર્ણય તેઓ પોતે જ લેશે. જોકે, રામકુભાઈના મતે, દેવાયત ખવડના વિશાળ મિત્રવર્તુળ અને રાજકીય નેતાઓ સાથેના ગાઢ સંપર્કો જોતા, તેઓ ભાજપમાંથી ચૂંટણી લડે તેવી પ્રબળ સંભાવના છે.
આ ઉપરાંત, આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા પણ દેવાયત ખવડના નજીકના કૌટુંબિક સગા હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. આ સંભવિત રાજકીય પ્રવેશથી તેમના ચાહકોમાં ઉત્સુકતા વધી છે અને રાજકીય વર્તુળોમાં પણ આ સમાચાર ચર્ચાનો વિષય બન્યા છે.
હાલમાં જ દેવાયત ખવડના જામીન રદ થયા છે
થોડા દિવસ પહેલા જ ગુજરાતના લોકસાહિત્યકાર દેવાયત ખવડના જામીન રદ કરવામાં આવ્યા હતા. પોલીસે તેમના જામીન વિરુદ્ધ અરજી દાખલ કરી હતી, જેને કોર્ટે સ્વીકારી લીધી હતી. આશ્ચર્યજનક રીતે, આ નિર્ણયનો દેવાયત ખવડના વકીલ દ્વારા કોઈ વિરોધ નોંધાવવામાં આવ્યો નહોતો.
પોલીસે કોર્ટમાં દલીલ કરી હતી કે દેવાયત ખવડ સામે ગંભીર આરોપો છે અને તેઓ જામીન પર મુક્ત રહે તો તપાસ પ્રક્રિયામાં અવરોધ આવી શકે છે. કોર્ટે આ દલીલને ધ્યાનમાં રાખીને તેમના જામીન રદ કરવાનો નિર્ણય કર્યો. મીડિયા અહેવાલો અનુસાર, હવે દેવાયત ખવડ આગામી સમયમાં તાલાલા પોલીસ મથકે હાજર થાય તેવી શક્યતા છે.
શું હતો સમગ્ર મામલો?
દેવાયત ખવડ અને તેમના સાથીઓ સામે જાહેર સ્થળે ઝઘડો અને અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવા બદલ કેસ નોંધાયો હતો. આ ઘટના બાદ ગીર સોમનાથ પોલીસે તેમની અને અન્ય સાત આરોપીઓની ધરપકડ કરી હતી.
આ કેસની સુનાવણી વેરાવળની ફર્સ્ટ ક્લાસ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એ.એ. જાનીની અદાલતમાં થઈ હતી. પોલીસ દ્વારા દેવાયત ખવડ સહિતના આરોપીઓના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી હતી, પરંતુ આરોપી પક્ષના વકીલે તેનો સખત વિરોધ કર્યો હતો. તેમણે બંધારણના આર્ટિકલ ૨૨(બી)નું ઉલ્લંઘન થયું હોવાની દલીલ કરી હતી અને સુપ્રીમ કોર્ટના ચુકાદાનો ઉલ્લેખ કરીને જામીન આપવાની માંગ કરી હતી.
૧૮ ઓગસ્ટના રોજ કોર્ટે આ મામલે ચૂકાદો આપતા તમામ સાત આરોપીઓને ₹૧૫,૦૦૦ની જામીન રકમ પર મુક્ત કરવાની શરત સાથે જામીન મંજૂર કર્યા હતા અને પોલીસની રિમાન્ડની માંગને ફગાવી દીધી હતી. પરંતુ હવે, પોલીસે ફરીથી જામીન રદ કરવાની અરજી કરી હતી, જેને કોર્ટે મંજૂર રાખતા દેવાયત ખવડ માટે મુશ્કેલીઓ વધી છે.