જૂનાગઢઃ ગુજરાતમાં પડી રહેલ ભારે વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ જોવા મળી રહી છે. તો બીજી બાજુ ભારે વરસાદને પગેલ કેટલાક ગામો પણ સંપર્ક વિહોણા થયા છે. આવી જ સ્થિતિ જૂનાગઢ માંગરોળની જોવા મળી છે જ્યાં અનરાધાર વરસાદને પગલે 6 ગામો સંપર્ક વિહોણા બન્યા છે.


ગીર ઉપરવાસમાં સતત વરસી રહેલ વરસાદના કારણે માંગરોળની નોળી નદીમાં પુર આવતા કોઝવે પર પાણી ફરી વળ્યું છે. જેના કારણે માંગરોળના છ ગામો પાંચ દિવસથી સંપર્ક વિહોણા બન્યા છે.

વિરપુર, લંબોરા, શેખપુર, ચોટીલીવીડી, શકરાણા સહિતના સામાકાંઠાના ગામોનો તાલુકા મથક સાથે સંપર્ક તૂટ્યો છે. ગ્રામજનોએ અગાઉ કોઝવે ઉચો કરવાની માગ કરી હતી..જો કે હજી સુધી માંગ સંતોષવામાં આવી નથી.

ગુજરાતની વાત કરીએ તો હજુ પણ આગામી 5 દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે સમગ્ર રાજ્યમાં પાંચ દિવસ સુથી ભારેથી અતિભારે વરસાદ ખાબકી શકે છે.

ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર- કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે.