અમદાવાદઃ ગુજરાતમાં કોરોના દિવસેને દિવસે વિકરાળ રૂપ ધારણ કરી રહ્યો છે. રવિવારે વધુ ૩૭૪ કેસ નોંધાયા હતા. આમ, છેલ્લા સતત પાંચ દિવસથી ૩૦૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. આ સાથે જ ગુજરાતમાં છેલ્લા પાંચ દિવસમાં જ ૧૬૫૪ લોકો કોરોના સંક્રમણનો શિકાર થઇ ચૂક્યા છે.


ગુજરાતમાં કોરોનાના કુલ ૫૪૨૮ કેસ નોંધાયા છે. આ પૈકી ૨૮૦૪ એટલે કે લગભગ ૫૨% કેસ માત્ર છેલ્લા ૧૦ દિવસમાં જ નોંધાયેલા છે. આમ, છેલ્લા ૧૦ દિવસની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં દરરોજના સરેરાશ ૨૮૦થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. અત્યાર સુધી નોંધાયેલા ૫૪૨૮ કેસમાંથી ૨૯૦ના મૃત્યુ થયા છે જ્યારે ૧૦૪૨ ડિસ્ચાર્જ કરાયા છે. ગુજરાતમાં નોંધાયેલા કેસ પૈકી ૭૦.૩૨% માત્ર અમદાવાદમાં નોંધાયા છે.

અમદાવાદમાં નોંધાયેલા કોરોનાના કુલ ૩૮૧૭ કેસ પૈકી ૨૧૬૪ માત્ર છેલ્લા ૧૦ દિવસમાં જ નોંધાઇ ચૂક્યા છે. આમ, અમદાવાદમાં કોરોનાના ૫૭ ટકા કેસ માત્ર છેલ્લા ૧૦ દિવસમાં જ વધ્યા છે. અમદાવાદમાં હાલ ૩૧૪૭  કેસ એક્ટિવ છે જ્યારે ૪૬૨ દર્દીઓ સાજા થયા છે. અમદાવાદમાં કુલ મૃત્યુઆંક પણ હવે ૨૦૦ને પાર થઇ ગયો છે.

રાજ્યમાં કુલ 5428 કોરોના કેસમાંથી 31 દર્દી વેન્ટિલેટર પર છે અને 4065 સ્ટેબલ છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1042 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 80060 ટેસ્ટ થયા જેમાંથી 5428 કોરોના પોઝિટિવ કેસ આવ્યા છે.