અમદાવાદ: ભાદરવા મહિનામાં સમગ્ર ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તેમાં પણ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે. અમદાવાદ સહિત ઉત્તર ગુજરાતમાં પણ છેલ્લા ત્રણ દિવસથી સાંજના સમયે ભારે વરસાદ પડી રહ્યો છે. અગાઉ હવામાન વિભાગે 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદની આગાહી કરી હતી.

આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે જેને લઈને નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી, જૂનાગઢ અને ગીર સોમનાથમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત માછીમારોને પણ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

જોકે મહત્વની વાત એ છે કે, હવામાન વિભાગે ભારેથી અતિભારે વરસાદ પડવાના દિવસોમાં વધારો કરતાં 9 સપ્ટેમ્બર સુધીની આગાહી કરી છે. આમ, હજુ આગામી 4 દિવસ ભારેથી અતિભારે વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છેલ્લા કેટલાંક દિવસથી જોરદાર વરસાદ પડી રહ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને કચ્છના કેટલાંક વિસ્તારોમાં ભાદરવો ભરપૂર વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આમ, સમગ્ર ગુજરાત પર ઘરાજા વરસી રહ્યા છે.

હવામાન વિભાગે અગાઉ પણ આગાહી કરી હતી કે, ગુજરાતમાં 7 સપ્ટેમ્બર સુધી ભારે વરસાદ પડે તેવી સંભાવના છે જે સાચી ઠરી છે. ત્યારે હવે, 7, 8 અને 9 તારીખે પણ ભારેથી અતિભારે વરસાદ પડવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને સાથે જ તંત્રને એલર્ટ રહેવા જણાવ્યું છે.