જુનાગઢઃ સુરતના હસુભાઈ નામના બિઝનેસમેને ગીરના જંગલ પાસેના ઈટવાયા ગામના ખેડૂત સાથે 75 લાખમાં 3 સાપનો સોદો કર્યો હતો. આ બિઝનેસમેને સેક્સ પાવર વધારવા માટે આંધળી ચાકળ ચાપની જરૂર હોવાનું જણાવતાં ખેડૂત ઘરના ફળિયામાં ત્રણ સાપને ઉછેરી રહ્યો હતો. વન વિભાગને આ બાબતની જાણ થઈ જતાં દરોડો પાડી ત્રણ સાપ સાથે ખેડૂતને ઝડપી લીધો છે.

ગિરગઢડાના ઈટવાયામાંથી એક ખેડૂત પાસે આંધળી ચાકળ હોવાની માહિતી મળતાં વન વિભાગે દરોડો પાડ્યો હતો. ગિર-ગઢડાના ઈટવાયામાં રહેતા અને પિતા સાથે ખેતીકામ કરતા જગદીશ મનુભાઈ વાડોદરિયાના ઘરમાં વન વિભાગે રેડ કરી ઘરના ફ્ળીયામાં ઓટલા પાસે બેરલ પાસે રાફ્ડાની માટીમાં રાખેલા ત્રણ બિન ઝેરી સાપ આંધળી ચાકળ જપ્ત કર્યા હતા. તેની પૂછપરછમા પોતે વચેટીયો હોવાનું અને ત્રણેય સાપનો સુરતના કોઈ હસુભાઈ નામના બિઝનેસમેન સાથે રૂપિયા 75 લાખમાં સોદો કર્યો હોવાનું જણાવ્યું હતું.

આ ત્રણેય સાપ જગદીશને ગીરના જંગલમાં રહેતા કેટલાક શખ્સોએ પકડીને આપ્યા હતા. આ સાપ તેણે સુરતના બિઝનેસમેનને પહોચાડવાના હતા. એક વાર સાપ પહોંચાડ્યા હતા પણ સાપની લંબાઈ ઓછી હોવાથી એક વાર સોદો કેન્સલ થયો હતો. સાપને મોટા કરવા માટે જગદીશે ફ્ળીયામાં રાફ્ડાની માટી નાખીને તેમાં રાખ્યા હતા, ત્રણેય સાપમાં એકનું વજન એક કિલો, બીજાનું 500 ગ્રામ અને ત્રીજા સાપનું વજન 725 ગ્રામ છે.

આ સાપને પકડવો અપરાધ છે પરંતુ સેક્સ પાવર વધારવા માટે તેની માંગ અને કિંમત ખૂબ ઊંચા હોવાથી તેનો ગેરકાયદેસર ધંધો ધમધોકાર ચાલે છે. સેક્સ પાવર વધારવા ઉપરાંત નશીલા પદાર્થો, મોંઘા પરફયૂમ માટે પણ તેનો વપરાશ થાય છે. કેટલાક કિસ્સામાં આરોપીઓએ એવું જણાવ્યું કે કેન્સર દૂર કરવા માટે આ સાપ વપરાય છે. સ્કીન ઓઈનમેન્ટ સહિત અનેક પ્રકારની પ્રોડક્ટમાં પણ સાપ વપરાય છે. તાંત્રિકો પણ તેનો ઉપયોગ કરે છે.