મહેસાણા જિલ્લા સહિત ગુજરાતના ચૌધરી સમાજમાં મોટું નામ ધરાવતા અને મહેસાણાની દૂધ સાગર ડેરીના પૂર્વ ચેરમેન અને ગુજરાતના પૂર્વ ગૃહમંત્રી રહેલા વિપુલ ચૌધરીએ ભાજપ સામે લડવા માટે અર્બુદા સેના બનાવી છે. બે દિવસ પહેલાં મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકાના પામોલમાં અર્બુદા સેનાની જાહેરસભા મળી હતી. આ સભામાં અર્બુદા સેનાની જાહેરાત કરવાની સાથે જ વિપુલ ચૌધરી ફરીથી રાજકારણમાં સક્રિય થયા છે. આ જાહેર સભામાં વિપુલ ચૌધરીએ સરકાર અને દૂધ સાગર ડેરીના હાલના સત્તાધીશોની ઝાટકણી કાઢી હતી. 


વિપુલ ચૌધરીએ સંબોધન કર્યુંઃ


પામોલ ખાતે મળેલી જાહેર સભામાં અર્બુદા સેનાની જાહેર કરતાં વિપુલ ચૌધરીએ સભામાં સંબોધન કર્યું હતું. વિપુલ ચૌધરીએ સરકારને આડેહાથ લેતાં કહ્યું કે, અચ્છે દિન ક્યારે આવશે? ભાજપે 80 વર્ષના માણસે જેણે 3 દાયકા સુધી સેવા કરી તો પણ તેની સાતે ગદ્દારી કરી હતી. આ સાથે જ વિપુલ ચૌધરીએ મહેસાણાની દૂધ સાગર ડેરીના હાલના સત્તાધીશો વિશે પણ નિવેદન આપ્યું હતું. વિપુલે ચૌધરીએ કહ્યું કે, ડેરીના સત્તાધીશો પપ્પુ છે અને હાલ દૂધ સાગર ડેરી હાલ રિવર્સ ગેરમાં પડી હોવાનો કટાક્ષ પણ કર્યો હતો. આ સાથે તેમણે ચૌધરી સમાજના વરિષ્ઠ આગેવાન હરિભાઈ વેલજીભાઈ ચૌધરીને સવાલ કર્યો હતો કે તમને સમાજ સાથે ગદ્દારી કરવાનું લાયસન્સ કોણે આપ્યું છે? વિપુલ ચૌધરીએ અર્બુદા સેનાની રચના કરીને આહવાન કર્યું હતું કે, અર્બુદા સેનાથી સમાજને એક કરવાનો પ્રયાસ કરવામાં આવશે. 


ઉલ્લેખનીય છે કે, દૂધ સાગર ડેરીના ચેરમેનની ગત ચૂંટણીમાં વિપુલ ચૌધરી પર થયેલા કેસના કારણે તેઓ ચૂંટણીથી દૂર રહ્યા હતા. સાથે જ વિપુલ ચૌધરીના સમર્થક જૂથની પેનલની પણ ચેરમેનની ચૂંટણીમાં કારમી હાર થઈ હતી. ત્યાર બાદ હવે વિપુલ ચૌધરી સમાજ સમક્ષ અર્બુદા સેનાના એલાન સાથે આવ્યા છે.