Gujarat Rain: હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં ફરી એક વખત વરસાદનો નવો રાઉન્ડ શરુ થશે. હાલમાં એકસાથે 4 સિસ્ટમ સક્રિય થઈ છે. આ સિસ્ટમમાં લો પ્રેશર, અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફનો સમાવેશ થાય છે. આ ચારેય સિસ્ટમ ભેગી થવાને કારણે આવનારા દિવસોમાં અરબી સમુદ્ર તરફથી ભેજવાળા પવનો ફૂંકાશે. જેના લીધે રાજ્યના અલગ-અલગ વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આ સિસ્ટમ સક્રિય થતા પૂર્વ ગુજરાત, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લામાં મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત જુલાઇના અંતમાં એટલે કે 27 જુલાઇથી પણ ફરી રાજ્યમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. સમગ્ર રાજ્યમાં તેજ પવન અને ગાજવીજ (થન્ડરસ્ટોર્મ એક્ટિવિટી) સાથે વરસાદી માહોલ જામશે, જેનાથી લોકોને અસહ્ય બફારા અને ગરમીમાંથી મોટી રાહત મળશે. અષાઢી બીજના દિવસે અમદાવાદમાં સામાન્ય વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.
આ જિલ્લામાં વરસી શકે છે વરસાદ
હવામાન વિભાગની આગાહી મુજબ સૌરાષ્ટ્રના પોરબંદર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજકોટ શહેર અને ગ્રામ્ય પંથકમાં આજે વરસાદી માહોલ જામ્યો હતો.
વરસાદના બીજા રાઉન્ડની પ્રતીક્ષા કરી રહેલા લોકો અને ખેડૂતોમાં ખુશી છવાઇ છે. આજે વહેલી સવારથી જ શરૂ થયેલા છૂટાછવાયા અને વરસાદી ઝાપટાંથી સમગ્ર રાજ્યમાં ઠંડક પ્રસરી ગઈ છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તાર એવા ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ અને સુપ્રસિદ્ધ સોમનાથ તીર્થક્ષેત્રમાં વહેલી સવારથી જ શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં અવિરત વરસાદ વરસી રહ્યો છે. ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં મોડી રાત્રે મેઘરાજાનું ધમાકેદાર આગમન થયું હતું.
આ પણ વાંચો- Rain: રથયાત્રાના પાવન પર્વે મેઘમહેર, સુરત, પાટણ, ગીર સોમનાથ અને કચ્છમાં સાર્વત્રિક વરસાદથી લોકોમાં ખુશી
સરેરાશ કરતાં અંદાજે 28 ટકા ઓછો વરસાદ
વરસાદના સત્તાવાર આંકડાઓનું વિશ્લેષણ કરીએ તો ચાલુ સિઝનનું ચિત્ર હજુ પણ થોડું ચિંતાજનક લાગી રહ્યું છે. રાજ્યમાં ચોમાસું શરૂ થયું ત્યારથી લઈને અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 162.8 મિમી વરસાદ જ નોંધાયો છે. હવામાન વિભાગના લાંબાગાળાના રેકોર્ડ પ્રમાણે, સામાન્ય સંજોગોમાં આ સમયગાળા દરમિયાન સરેરાશ 226.1 મિમી વરસાદ વરસી જવો જોઈતો હતો. આ ગણતરી મુજબ જોઈએ તો, ગુજરાતમાં આ વર્ષે સરેરાશ કરતાં અંદાજે 28 ટકા ઓછો વરસાદ નોંધાયો છે.
