ગાંધીનગર: આજથી ગુજરાતમાં માસ્ક પહેર્યા વગર નિકળ્યા તો ખેર નથી, કારણ કે હવે રાજયમાં માસ્ક ન પહેરવા બદલ અને જાહેરમાં થૂંકવા બદલ 500 રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં કોરોનાનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જેના ભાગરૂપે રૂપાણી સરકારે દંડની રકમમાં વધારો કર્યો છે. આ પહેલા માસ્ક ન પહેરવા અને જાહેરમાં થૂકનારને 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સમગ્ર રાજ્યમાં આજથી એટલે કે 1લી ઓગસ્ટથી જાહેરમાં માસ્ક ના પહેરનારા લોકોને તેમજ જાહેરમાં થૂકનાર લોકોને 500 રૂપિયાનો દંડ કરવાનો નિર્ણય કર્યો હતો. નોંધનીય છે કે, પહેલા આ દંડની જે રકમ રૂપિયા 200 છે તે હવે આજથી 500 રૂપિયા કરવામાં આવી છે.

આ સાથે જ રાજ્ય સરકારે નાગરિકો પ્રજાજનોને માસ્ક સરળતાથી ઉપલબ્ધ થઈ શકે તે હેતુસર ગુજરાતમાં આવેલા અમૂલ પાર્લર પરથી માત્ર 2 રૂપિયાની નજીવી કિંમતે સાદા માસ્ક નાગરિકોને મળી રહે તેવી વ્યવસ્થા કરી છે.

નોંધનીય છે કે, આ પહેલા સુરત મહાનગરપાલિકાના કમિશનર દ્વારા માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 500 રૂપિયાનો દંડ વસૂલવાનું શરૂ કર્યું હતું. મહત્વનું છે કે અત્યાર સુધી માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ ફટકારવામાં આવતો હતો.