અમદાવાદઃ ગુજરાતમાં ગઈકાલે છેલ્લા 24 કલાકના આંકડા અનુસાર 135 તાલુકામાં વરસાદ નોંધાયો હતો. આ 24 કલાકમાં સૌથી વધારે વરસાદ પંચમહાલના હાલોલમાં ત્રણ ઇંચ જેટલો નોંધાયો છે. આ સાથે જ હવામાન વિભાગે આગામી 5 દિવસ માટે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે.


ગઈકાલના આંકડા અનુસાર સુરેન્દ્રનગરના ચોટીલામાં બે જ કલાકમાં અઢી ઈંચથી વધુ વરસાદ પડ્યો. જ્યારે અરવલ્લીના ધનસુરા અને દેવભૂમિ દ્વારકાના કલ્યાણપુરમા છેલ્લા બે કલાકમાં બે ઇંચ કરતા વધુ વરસાદ નોંધાયો છે.

આ છેલ્લા 24 કલાકમાં રાજ્યના 27 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. રાજ્યના ખેડૂતો માટે સારા સમાચાર એ છે કે હવામાન વિભાગ દ્વારા 31 જુલાઇથી 4 ઓગસ્ટ સુધી રાજ્યમાં ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત પંથકમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ગીર-સોમનાથ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં સુરત અને વલસાડમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.