Gandhinagar News: ગુજરાતના વાતાવરણને લઇને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની મોટી આગાહી સામે આવી છે. આવતીકાલે વર્ષનો છેલ્લો દિવસ એટલે કે 31 ડિસેમ્બર છે, તે પછી ફરી એકવાર રાજ્યમાં વરસાદી માહોલ જામશે. જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, જાન્યુઆરી મહિનામાં બીજા સપ્તાહથી ક્યાંક હિમ વર્ષા તો ક્યાંક કમોસમી ઝાંપટા પડશે. જાન્યુઆરીમાં અલનીનૉની અસર ગુજરાતમાં પણ પણ જોવા મળશે. આ કારણે રાજ્યના વાતાવરણમાં પલટો આવશે અને ઠંડીનું જોર વધી શકે છે.
હવામાન નિષ્ણાંત અને આગાહીકાર અંબાલાલ પટેલે જાન્યુઆરી મહિના અંગે મોટી આગાહી કરી છે. તેમને જણાવ્યુ છે કે, નવા વર્ષે આગામી 3 થી 6 જાન્યુઆરી વચ્ચે રાજ્યમાં વાદળવાયુ રહેશે. પશ્ચિમ વિક્ષેપની ગતિવિધિ મંદ હોવાના કારણે દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમ વર્ષા થશે. ગુજરાતમાં જાન્યુઆરીના 2જા સપ્તાહથી હવામાનમાં ભારે પલ્ટો આવશે. અરબ સાગરમાં વેલમાર્ક લૉ પ્રેશર અને બંગાળના ઉપસાગરમાં ગતિવિધિને લઈ દેશના હવામાનમાં પલટો આવશે. ગુજરાતમાં જાન્યુઆરીના 2જા સપ્તાહમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર, પૂર્વ ગુજરાત, ઉત્તર ગુજરાત અને કચ્છના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા છે. અલનીનોની અસરના કારણે વિષમ હવામાનની સ્થિતિ સર્જાશે. જાન્યુઆરી માસમાં ભારે ઠંડીનો અનુભવ થશે.
વાતાવરણ પલટાતાં બનાસકાંઠાના ખેડૂતો ચિંતિત, રવિ પાકોમાં આવી શકે છે આ રોગ
બનાસકાંઠામાં વહેલી સવારથી જ વાતાવરણમાં પલટો આવ્યો છે, રાજ્યમાં અચાનક બદલાતા વાતાવરણની અસર હવે બનાસકાંઠામાં દેખાઇ રહી છે, અચાનક હવામાનમાં પલટો આવતા જિલ્લાના ખેડૂતો ચિંતિત બન્યા છે. રવિ પાકને મોટા પ્રમાણમાં નુકસાન થવાની અને અલગ અલગ પ્રકારના રોગ પાકોમાં ઉભા થવાની ભીતિ સેવાઇ રહી છે. ખેડૂતોને મોટા પાયે નુકસાન થવાની ચિંતા પેઠી છે. મળતી માહિતી માહિતી પ્રમાણે, બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. પલટાની અસરથી જિલ્લાની ખેડૂતોમાં ચિંતા પેઠી છે. બનાસકાંઠા જિલ્લામાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે ધરતીપુત્રો ચિંતિત બન્યા છે. સતત બે દિવસથી હવામાનમાં પલટો આવતા પાક નુકશાનની ભીતિ સેવાઇ રહી છે. જિલ્લામાં એરંડો, રાયડો, ઘઉં અને બટાકાના પાકમાં ચરમીનો રોગ આવવાની ભીતિ સેવાઇ રહી છે. સામાન્ય ઠંડી વચ્ચે વાદળછાયુ વાતાવરણમાં બટાકાના પાકમાં ચરમી નામનો રોગ આવવાની પુરેપુરી શક્યતા છે. સતત વાદળછાયા વાતાવરણથી સૌથી વધારે બટાકાના પાક ઉપર અસર થઇ શકે છે.
નવેમ્બરના માવઠાથી રાજ્યમાં 83 કરોડના પાક ધોવાયા, ખેડૂતોને પારાવાર નુકસાન
રાજ્યમાં ગયા નવેમ્બર મહિનામાં થયેલા માવઠાથી ખેડૂતોને પારાવાર નુકસાન પહોંચ્યુ છે. રાજ્યના ખેડૂતોને કેટલુ નુકસાન પહોંચ્યુ છે, અને કયા કયા પાકોને નુકસાન થયુ છે, તે અંગે હવે મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં 83.80 કરોડ રૂપિયાનુ નુકસાન ખેડૂતોના પાકને થયુ છે. મળતી માહિતી પ્રમાણે, રાજ્યમાં નવેમ્બર મહિનામાં ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત સહિતના વિસ્તારોમાં ચોમાસાની જેમ ધોધમાર વરસાદ ખાબક્યો હતો, આ સમયે રાજ્યમાં રવિ પાક હતો અને આ તમામ પ્રકારના રવિ પાકને મોટુ નુકસાન પહોંચ્યુ હતુ. ગયા નવેમ્બરમાં થયેલા માવઠાથી રાજ્યના 5 હજારથી વધુ ખેડૂતોને નુકશાન થયુ છે. રાજ્યના 1747 ગામમાં ખેતીના પાકમાં માવઠાની અસર થઇ છે. 98813 હેક્ટર જમીનની અંદરના ઉભા પાકને નુકશાન થયાનો અંદાજ છે. અંદાજિત ખેડૂતોને 83.80 કરોડ રૂપિયાનું નુક્શાન થયાનો અંદાજ છે. આ માવઠાથી રાજ્યમાં જીરું, સવા, ઇસબગુલ, વરિયાળી, અજમો જેવા પાકમાં નુકસાન પહોંચ્યુ છે, આ ઉપરાંત દિવેલા કપાસ, રાય, ડાંગર, મકાઈ જેવા પાકમાં પણ નુકસાન થયાનો અંદાજ છે.