Gandhinagar Politics News: ગુજરાતમાં ધનુર્માસ ઉતરતાની સાથે જ ફરી એકવાર ભાજપે ઓપરેશન લૉટસની શરૂઆત કરી દીધી છે. એક પછી એક કોંગ્રેસી દિગ્ગજો ભાજપમાં આવી રહ્યાં છે. આજે ફરી એકવાર મોટો ભરતી મેળો ભાજપમાં જોવા મળ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મોટા નેતા ચિરાગ કાલરિયાએ કેસરિયા ધારણ કર્યો છે, આ ઉપરાંત ઘનશ્યામ ગઢવી અને બળવંત સિંહ ગઢવીએ પણ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે, આ તમામ નેતાઓને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા છે.


લોકસભા પહેલા ભાજપમાં ફરી એકવાર ભરતી મેળો શરૂ થઇ ગયો છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ચિરાગ કાલરિયાને ખેસ પહેરાવીને પક્ષમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા ઘનશ્યામભાઈ ગઢવી અને બળવંતસિંહ ગઢવીએ પણ કેસરિયો ધારણ કર્યો છે. 


ખાસ વાત છે કે, ભાજપમાં એક પછી એક નેતાઓ અને કાર્યકરો જોડાઇ રહ્યાં છે. આજે આ ઉપરાંત વડોદરા ડેરીના રાઉલજી કુલદીપજી ભાજપમાં જોડાયા હતા, હાલોલના રામચંદ્ર આર બારૈયા ભાજપમાં જોડાયા હતા. છોટાઉદેપુરના ગણપતસિંહ બારૈયા ભાજપમાં હતા. સરપંચ પરિષદના મહાસચિવ મુકેશ સખિયા પણ ભાજપમાં જોડાયા હતા. સૌથી મોટી વાત છે કે, આ ભરતી મેળામાં સાત જિલ્લાના 100 ગામોના સરપંચો એકસાથે ભાજપમાં જોડાયા હતા.


કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાયા છે, આ ઉપરાંત બીજા નેતા તરીકે થોડાક સમય પહેલા ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ ઘરવાપસી કરશે. 2017માં ચિરાગ કાલરીયા જામજોધપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે બાલકૃષ્ણ પટેલ 2022માં ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યાં હતા. 


આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપમાં જોડાવનારા તમામનું સ્વાગત કર્યુ હતુ. તેમને સંબોધનમાં જણાવ્યુ કે, ગામ, જિલ્લો, શહેર, રાજ્ય અને દેશના વિકાસ માટે મોદીનો સાથ છે. દેશહિત અને વિકાસની ભાવના માટે ભાજપમાં જોડાનારાને આવકાર મળ્યો છે. મહિલાઓને સ્વનિર્ભર બનાવી, સુરક્ષા આપવી તે પ્રાથમિકતા છે. મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવું તે સરકારની પ્રાથમિકતા છે. મહિલાઓને 33 ટકા અનામત અપાવનારી આ મોદી સરકાર જ છે. ભ્રામક વાતો નહી પરંતુ નક્કર કામગીરી તે મોદી મંત્ર છે. તેમને વધુમાં જણાવ્યુ કે, ભાજપે આપેલા દરેક વચનો પૂરા કર્યા છે. પીએમ મોદીએ આપેલી ગેરંટી પૂરી થાય છે. પીએમ મોદીની ગેરંટી પર નાગરિકોને વિશ્વાસ છે. સમગ્ર દેશને પીએમ મોદીમાં વિશ્વાસ મુકીને આગળ વધ્યો છે. રામ મંદિરથી જાતિ અને ભાષાનો ભેદ ભૂલાયો છે. રામ મંદિરના નિર્માણથી દેશમાં એકતા વધી છે. અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. દુનિયામાં શ્રેષ્ઠ મંદિરોમાં રામ મંદિરનો સમાવેશ થયો છે.