ગાંધીનગરઃ રખડતા ઢોર નિયંત્રણ કાયદા અંગે મોટા સમાચાર સામે આવ્યા છે. જે મુજબ હવે રખડતા ઢોર નિયંત્રણ કાયદાને પરત ખેંચવામાં આવશે. છેલ્લા ઘણા સમયથી રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થઈ રહ્યો હતો. થોડા દિવસ પહેલાં માલધારીઓએ રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો ભારે વિરોધ કર્યો હતો. ત્યાર બાદ હવે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રખડતા ઢોર નિયંત્રણનું બિલ પરત મોકલ્યું છે. આગામી દિવસોમાં મળનારા વિધાનસભા સત્રમાં આ બિલને પરત ખેંચવાની કાર્યવાહી કરવામાં આવશે.
વિધાનસભા સત્રના પ્રથમ દિવસે બિલ પરત ખેંચાશેઃ
રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે હાલ રખડતા ઢોર નિયંત્રણ કાયદો બનાવા માટેનું બિલ પરત મોકલ્યું છે. જે મુજબ હવે આ બિલને ફરીથી વિધાનસભામાં રજૂ કરવામાં આવશે. મળતી માહિતી મુજબ 21 અને 22 સપ્ટેમ્બરના રોજ વિધાનસભાનું વિશેષ સત્ર મળવા જઈ રહ્યું છે. જ્યાં સત્રના પ્રથમ દિવસે જ રખડતા ઢોર નિયંત્રણ કાયદા માટેનું આ બિલ પરત ખેંચી લેવામાં આવશે.
મહત્વનું છે કે, થોડા મહિનાઓ અગાઉ રાજ્ય સરકાર દ્વારા રખડતા ઢોર પર કાબુ લેવા માટે આ વર્ષે જ વિધાનસભામાં આ બિલ પસાર કરવામાં આવ્યું હતું. જે મુજબ રસ્તા પર રખડતા ઢોરની સમસ્યા સામેના કાયદાને વધુ કડક બનાવામાં આવ્યો હતો. જો કે, સરકારના આ કાયદાનો માલધારી સંગઠનો દ્વારા ભારે વિરોધ થયો હતો.
રખડતા ઢોર નિયંત્રણ કાયદાનો વિરોધ થયો હતોઃ
ગઈકાલે અડાલજ પાસેના શેરથા ખાતે માલધારી વેદના મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં હજારોની સંખ્યામાં માલધારીઓ ઉપસ્થિત રહ્યા હતા. સાથે જ માલધારી સમાજના 20 કરતાં પણ વધુ મંદિરોના મહંતો તેમજ 40 કરતાં પણ વધુ મંદિરના ભૂવાઓ, 17 કરતાં પણ વધુ સંસ્થાઓના વડાઓ તેમજ માલધારી સમાજના રાજકીય અને સામાજિક આગેવાનોએ આ સભામાં ભાગ લીધો હતો. આ સંમેલનમાં 21 સપ્ટેમ્બરના રોજ માલધારી સમાજ દૂધ નહી વેચે એવો નિર્ણય પણ લેવાયો હતો.
આ પણ વાંચો...
KBC 14: કોણ છે કવિતા ચાવલા જે આ સિઝનની પ્રથમ કરોડપતિ બની, શું તે 7.5 કરોડના સવાલનો જવાબ આપી શકશે?