Gandhinagar: રાજ્યના દક્ષિણ ભાગ અને સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓને બાદ કરતાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદ ખેંચાયો છે. ગુજરાતમાં હાલના તબક્કે વરસાદ ઓછો થયો છે ત્યારે રાજ્ય સરકારે ખેડૂતોના ખરીફ પાક માટે મોટી જાહેરાત કરી છે. આજે કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, "રાજ્ય સરકારે આજથી નર્મદા નહેરમાં પાણી છોડવાનો નિર્ણય કર્યો છે." 


આજથી નર્મદાનું પાણી છોડાશેઃ
ગુજરાતમાં હાલના તબક્કે વરસાદ ઓછો થયો છે અને વરસાદ ખેંચાયો છે. આ સ્થિતિમાં ખરીફ પાકોનું વાવેતર કરવામાં મોડું થઈ રહ્યું છે આ સાથે આગોતરું વાવેતર કરનાર ખેડૂતોને પણ ખરીફ પાક માટે પાણીની જરુર છે. ત્યારે રાજ્ય સરકારે નર્મદા નહેરો અને તેના તળાવો ભરવ માટે નિર્ણય કર્યો છે. આ માટે નર્મદા મુખ્ય નહેરમાં 17000 ક્યુસેક પાણી છોડવામાં આવશે. ઋષિકેશ પટેલે જણાવ્યું કે, અનેક જગ્યાએથી પાણી છોડવા માગણીઓ કરવામાં કરી હતી. તેથી સરકારે નર્મદામાં પાણી છોડવાનો નિર્ણય લીધો છે. આ પાણીથી 11 લાખ હેકટર જમીનના ખેડૂતો લાભ મળશે. 


કરમાવદ તળાવ ટૂંક સમયમાં ભરાશેઃ
મહત્વનું છે, નર્મદા કેનાલમાં પાણી છોડીને એક જ અઠવાડિયામાં આ તળાવો ભરવામાં આવશે. આ સાથે તાજેતરમાં બનાસકાંઠાના કરમાવદ તળાવ ભરવા માટે  થયેલા આંદોલન બાદ સરકાર એક્ટિવ થઈ છે અને ટૂંક સમયમાં તળાવ ભરવાના કામને સૈદ્ધાંતિક મંજૂરી આપવામાં આવશે અને 500 કરોડના ખર્ચે કરમાવદ અને મુક્તેશ્વર તળાવ ભરવાનો નિર્ણય કરવામાં આવી રહ્યો હોવાનું ઋષિકેશ પેટેલ જણાવ્યું હતું. 


કૃષિ વિભાગના જણાવ્યા અનુસાર ચાલુ વર્ષે તા. ૨૭/૦૬/૨૦૨૨ સુધીમાં અંદાજિત ૧૯,૬૮,૭૨૨ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે તથા ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન ૨૫,૦૨,૨૮૮ હેક્ટર વાવેતર થયેલ હતું. સિંચાઇ વિભાગના જણાવ્યા અનુસાર સરદાર સરોવર જળાશયમાં ૧,૪૮,૩૫૮ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૪૪.૪૧% છે. રાજ્યનાં ૨૦૬ જળાશયોમાં ૧,૮૫,૭૧૯ એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના ૩૩.૨૭% છે. હાલમાં રાજ્યમાં કોઈ જળાશય એલર્ટ કે હાઇ એલર્ટ પર નથી.