રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ પોરંબદર તેના શિલ્પ અને સ્થાપત્યને લઈને દુનિયાભરમાં પ્રખ્યાત હતુ. વિશ્વને અહિંસાનો પાઠ ભણાવનાર મહાત્મા ગાંધીની આ ભૂમિ સમય જતાં હિંસાનુ કેંદ્ર બની. 60ના દાયકાથી 21મી સદીના પહેલા દાયકા સુધી આ શહેર પર માફિયાઓનુ વર્ચસ્વ જોવા મળ્યુ. સમાયાંતરે અહીં પોલીસ ચોપડે અનેક ગેંગો નોંધાયેલી જોવા મળી હતી. જોકે આ તમામ વચ્ચે માફિયા રાજના ઉદયની વાત કરીએ તો આપણે તે માટે 60ના દાયકાના અંત તરફ જવુ પડશે. 1960ના દાયકામાં ભારતમાં મુંબઈથી લઈને પોરબંદર સુધી કાપડ મિલોનો દબદબો જોવા મળતો હતો. આ સમયે મિલમાં કામ કરતા કામદારોના યુનિયન પોતાની મન મરજી મુજબ કામ કરતા અને સમયાંતરે મિલ માલિકો સાથે ઘર્ષણ થતુ. અનેક શહેરમાં કામદાર યુનિયનના હોદેદ્દારો મિલ માલિકો ઉપર રીતસરની દાદાગીરી કરતા હોવાના અનેક દાખલા જોવા મળે છે.
પોરબંદરના શ્રેષ્ઠીઓ સૌરાષ્ટ્ર રાજ્યનું નીચુંના જોઈ શકતા
મહારાજા નટવરસિંહનુ સ્વપ્ન પોરબંદરને પેરિસ બનાવવાનુ હતુ તે શહેર મીની શિકાગો બનવાની વાત અહીંથી શરુ થાય છે. મુખ્ય વાત પર આવીએ તે પહેલા શહેરની પૃષ્ઠભૂમિ પર જઈએ. એ સમયે પોરબંદરના શેઠ નાનજી કાલીદાસ મહેતાનું ખુબ મોટુ નામ હતુ. તેઓ પોરબંદરમાં મહારાણા મિલ, રાણાવાવમાં સિમેન્ટ ફેકટરી ઉપરાંત આફ્રિકાના યુગાન્ડામાં લુગાઝીમાં સુગર મીલ, રબ્બર મીલ, ચા અને કોફીના બગીચા ધરાવતા હતા. તેઓ સૌરાષ્ટ્રમાં ભામાશા તરીકેની છાપ ધરાવતા હતા. તેમના ભામાશા તરીકેનો એ સમયનો એક દાખલો જોઈએ તો વર્ષ 1948 થી 1956 સુધી જયારે સૌરાષ્ટ્ર રાજય હતુ અને ઉચ્છંગરાય ઢેબર પ્રથમ મુખ્યમંત્રી હતા ત્યારે આર્થીક આવક ખાસ ન હોય કર્મચારીઓને પગાર ચૂકવવા સરકાર પાસે પૈસાની અછત હતી અને કર્મચારીઓને સમયસર પગાર ચૂકવાય નહીં તો સરકાર પ્રત્યે અવિશ્વાસ ઉભો થાય. કોઈએ આ ઉકેલ માટે પોરબંદર સ્થિત નાનજી કાલિદાસ મહેતાનો સંપર્ક કરવા જણાવ્યુ હતું. ઢેબરભાઈ ગાડી લઈને પોરંબદર પહોંચ્યા અને નાનજી શેઠને મળ્યા. બપોરનો સમય હોય નાનજી શેઠે ઢેબરભાઈ સાથે ભોજન લીધુ અને તેમના આવવા માટેનું કારણ જાણ્યું. ઢેબરભાઈએ નિખાલસતાથી જણાવ્યું કે રાજય પાસે આવક ખાસ નથી અને કર્મચારીઓને પગાર સમયસર કરવા મદદ માટે અનુરોધ કર્યો. એ વખતે પોરબંદરમાં મહારાણા મિલનો દબદબો હતો. અંદાજે 2500 કામદારો આ મિલમાં કામ કરતા હતા. નાનજી કાલિદાસે ફોન કરીને મેનેજરને ચેકબુક સાથે ઘરે આવવા જણાવ્યુ. નાનજી કાલિદાસે ઢેબરભાઈને પૂછયું કેટલા પૈસાની જરુર છે. સામેથી જવાબ આવ્યો 30 લાખ. ક્ષણભરનો વિચાર કર્યા વગર નાનજી શેઠે 30 લાખનો ચેક લખીને ઢેબરભાઈના હાથમાં આપ્યો અને કહ્યું આ કોઈ શરત વગર ગ્રાન્ટ તરીકે આપુ છુ. આમ મોટી રકમ આપીને તેમને સૌરાષ્ટ્ર રાજયની આબરુ બચાવી હતી. નાનજી કાલિદાસની આવી સેવાને લઈને પોરબંદરના મહારાણા નટવરસિંહે તેમને રાજય રત્નનું બિરુદ આપ્યું હતુ. નાનજી કાલિદાસ મહેતાની બીજી ઓળખ આપવી હોય અને આજની પેઢીને સરસ રીતે યાદ રહે તે રીતે આપવી હોય તો તેઓ પ્રસિધ્ધ ફિલ્મ અભિનેત્રી જૂહિ ચાવલાના દાદાજી સસરા થાય છે. પ્રસિધ્ધ ફિલ્મ કયામત સે કયામત તક થી ફિલ્મ અભિનેતા આમિરખાન સાથે ફિલ્મ કારર્કિદીની શરુઆત કરનાર ફિલ્મ અભિનેત્રી જૂહી ચાવલા નાનજી કાલિદાસના પુત્ર મહેંદ્ર મહેતાના પુત્ર જય મહેતાના પત્ની છે. જય મહેતાના પહેલા લગ્ન સુજાતા બિરલા સાથે થયા હતા જેમનુ વર્ષ 1990માં પ્લેન અકસ્માતમાં મૃત્યુ થયુ હતુ. ત્યાર બાદ જય મહેતાએ બીજા લગ્ન અભિનેત્રી જૂહી ચાવલા સાથે કર્યા.
મજદૂર યુનિયનને તોડવા માફિયાઓને લઈ આવ્યા શેઠ નાનજી કાલીદાસ
60ના દાયકાની શરુઆતની વાત પછી હવે વાત 60ના દાયકાના અંત તરફની. એટલે કે પોરંબદરના ગુનાખોરી તરફ વળવાની. ભામાશા ગણાતા શેઠ નાનજી કાલિદાસ મહેતાની તે સમયે મહારાણા મિલ ખુબ નામ ધરાવતી હતી. આ મિલમાં કામ કરતા મજદૂર યુનિયન ખુબ મજબૂત હતું. વારંવાર અહીં પડતી હડતાળને પગલે નાનજી શેઠ ખૂબ હેરાન હતા. મજદૂર યુનિયનને નબળું પાડવા અને આ સમસ્યાનો તેઓ કાયમી ઉકેલ લાવવા માંગતા હતા. આ માટે તેમણે દ્રારકા વિસ્તારના વાઘેરનો સહારો લીધો. દ્રારકા અને ઓખા વિસ્તારમાં વસવાટ કરતા વાઘેરો ખૂબ લડાયક કોમ છે. આજ વિસ્તારના દેવુ વાઘેર અને કરશન વાધેર નામના બે ભાઈઓને શેઠ પોરબંદર લાવ્યા. મિલમાં હડતાળને તોડવા માટે વાઘેર બંધુનો સહારો લીધો પરંતુ પેલી કહેવત છે ને કે બકરુ કાઢતા ઉંટ પેસી જાય તેમ હડતાળ તોડવામાં શેઠ સફળ થયા પરંતુ દેવુ અને કરશન વાઘેરનો ત્રાસ હવે મજદૂર યુનિયન કરતા વધતો ગયો. શહેરમાં ખંડણી અને કાળાબજારીનો ઈજારો જાણે કે આ બન્ને ભાઈઓ પાસે હોય તેમ તેમની ધાક વધતી ગઈ. મિલના મજુરોને હેરાન કરવા ઉપરાંત તેઓએ મિલનો માલ બહાર લઈ જવા માટે ટ્રાન્સપોર્ટના ધંધામાં પણ ઝંપલાવ્યું હતુ.
મજુરી માટે આવેલા મુંજા બંધુઓની હાક વાગતી થઈ
આ સમયે મિલમાં મજદૂર તરીકે પોરંબદરના આસપાસના વિસ્તારના મહેર અને અન્ય જ્ઞાતિના લોકો કામ કરતા હતા. મહેર કોમ મુખ્યત્વે પોરબંદર, બરડા વિસ્તાર, રાણાવાવ અને કુતિયાણા વિસ્તારમાં વસવાટ કરે છે. આ સમય દરમિયાન અનેક લોકો ગ્રામ્ય વિસ્તારથી રોજી રોટી કમાવવા માટે પોરબંદર શહેર તરફ પ્રયાણ કરતા હતા. આવોજ એક યુવાન કડછ ગામથી પરિવાર સાથે કંઈક નવુ કરવા માટે પોરબંદર આવે છે. આ યુવાન બીજુ કોઈ નહીં પરંતુ સરમણ મુંજા કડછા. પોરબંદર આવી સરમણ અને તેનો ભાઈ અરજણ મહારાણા મિલમાં મજુરી કામ માટે જોડાઈ છે . પોરબંદર જિલ્લાની એક ખાસીયત એ પણ છે કે અહીં મહેર અને અન્ય જ્ઞાતિના લોકોની ઓળખ તેમના ગામના નામ પરથી થતી હોય છે. દાખલા તરીકે ઓડદર ગામ હોય તો ઓડેદરા, મોકર ગામના વતની મોકરીયા તરીકે ઓળખાય જયારે મોઢવાડા ગામના લોકો મોઢવાડીયા તરીકે ઓળખાય છે. સરમણ મુંજા કડછ ગામના વતની એટલે સરમણ મુંજા કડછા તરીકે ઓળખાતા. સરમણ મુંજા કડછાએ પાછળથી તેમની અટક એફિડેવીટ કરીને જાડેજા કરી. એટલે બાદમાં સરમણ મુંજા જાડેજા તરીકે પ્રખ્યાત થયા.
દેવુ વાઘેર અને કરસન વાઘેરના બાહુબળનો અંત થયો પણ ગેંગવોરની શરૂઆત થઈ
મહારાણા મિલમાં સરમણ અને તેનો ભાઈ અરજણ મજુરી કરે. દેવુ અને કરશન વાઘેર મીલ મજુરો પાસેથી હપ્તા ઉધરાવે અને ઉંચા વ્યાજે મજુરોને પૈસા ઉછીના આપે. મજુરોનો પગાર થાય ત્યારે પહેલા દેવુ અને કરશન વાઘેરને હપ્તો ચૂકવવો પડતો. પગાર ચૂકવણી સમયે આવો જ એક બનાવ સરમણ મુંજા સાથે બન્યો. ઘરમાં માંદગી હોય અને પૈસાની ખુબ જરુર હોય ત્યારે સરમણે પૈસા પછી આપવાનુ કહેતા દેવુ વાધેર અને સરમણ વચ્ચે ઝગડો થયો હતો. આ ઝગડાના થોડા દિવસ બાદ દેવુ વાધેર વહેલી સવારે મહારાણા મિલ સામે ખાડી કાંઠે કડિયા પ્લોટ વિસ્તારમાં લઘુશંકા કરવા બેઠો હતો અહીં પાછળથી સવારના અંધારામાં ત્રણથી ચાર શખ્સો ભેગાં થઈને તેની હત્યા કરી નાખે છે. આ હત્યામાં મુખ્ય આરોપી તરીકે અરજણ મુંજા અને સરમણ મુંજાના નામ બહાર આવ્યા. આ હત્યા બાદ પોરબંદર શહેરમાં ગેંગવોરની શરુઆત થઈ હતી. શહેરમાં મહેર અને વાઘેર ગેંગ વચ્ચે અવાર-નવાર રસ્તાઓ પર અને સિનેમાઘરોમાં મારામારીના અનેક બનાવો બનતા. દેવુ વાઘેરની હત્યા બાદ કરશન વાઘેરનું વર્ચસ્વ થોડુ ઓછુ થયું. સરમણ અને તેના સાગરીતો હવે દેવુ વાઘેર પછી કરશન વાઘેરની હત્યાનો પ્લાન ઘડી રહ્યા હતા. દરમિયાન એક દિવસ કરશન વાઘેર સવારે મહારાણા મિલથી પોતાની એમ્બેસેડર ગાડીમાં બહાર નીકળી રહ્યો હતો ત્યારે સરમણ મુંજા અને તેના સાગરીતોએ ગાડી ઉપર ટ્રક ચડાવી દિધો. ગાડીના બન્ને દરવાજા દબાઈ જતા આગળનો કાચ તોડીને ભાલા અને કુહાડી જેવા હથિયારોથી કરશનની કરપીણ હત્યા કરવામાં આવી. ધોળા દિવસે કરશનની હત્યાથી શહેરમાં હાહાકાર મચી ગયો. આ હત્યાને પગલે સરમણ મુંજા અને અરજણ મુંજા જાડેજાની ગેંગનું નામ થઈ ગયું. આ રીતે પોરબંદર શહેરમાં વાઘેર બંધુના અંત સાથે કડછના સરમણ મુંજા જાડેજાનો ઉદય થયો. ( પોરબંદર બંદર પર ખારવા ગેંગના દબદબા અંગે વાચીશું ભાગ - 3)