અમદાવાદ: કોરોના સંક્રમણને અટકાવવા માટે રાજ્ય સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ લાદવામાં આવ્યું છે. આ ચાર મોટા શહેરમાં રાત્રે 9 વાગ્યાથી સવારે 6 વાગ્યું સુધી રાત્રિ કર્ફ્યૂ લાગુ કરવામાં આવ્યું છે. ત્યારે ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સે ( GCCI)રાત્રિ કર્ફ્યૂનો સમય ઘટાડવાની માંગ કરી છે.


GCCIએ રાત્રે 11થી સવારના 5 વાગ્યા સુધી કર્ફ્યૂનો સમય કરવા મુખ્યમંત્રી વિજય રૂપાણીને પત્ર લખ્યો છે. GCCIનું કહેવું છે કે, હાલ રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી કરફ્યુના કારણે વેપાર-ધંધા  ખાસ કરીને  હોટલ રેસ્ટોરેન્ટને વ્યાપક નુકશાન થઈ રહ્યુ છે. એવામાં આર્થિક રીતે આ એકમો ફરી ઉભા થાય તે માટે કર્ફ્યૂની અવધી ઘટાડવાની માંગ કરી છે.
ઉલ્લેખનીય છે કે, દિવાળીના તહેવાર બાદ કોરોનાના કેસો વધતા ગુજરાત સરકાર દ્વારા અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં નાઇટ કર્ફ્યૂ લગાવી દેવામાં આવ્યો છે. ત્યારે કોરોના મુદ્દે થયેલી સુઓ મોટો પિટિશન પર ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કોર્ટે ક્રિસમસ, 31 ડિસેમ્બર, ન્યુ યર અને ઉત્તરાયણના તહેવારો દરમ્યાન વધુ ધ્યાન રાખવાની જરૂર હોવાનું જણાવ્યું હતું. આ સમયે એડવોકેટ જનરલે કોર્ટમાં મોટું નિવેદન આપ્યું હતું અને જણાવ્યું હતું કે, જાન્યુઆરી મહિનામાં પણ નાઈટ કરફ્યુ લંબાઈ શકે છે. કોર્ટે કહ્યું, નાઈટ કરફ્યુ જરૂરી છે. એ થોડો સમય હજુ ચાલુ રહેવો જોઈએ. એનાથી કેસોની સંખ્યા ઘટી છે.
રાજ્યમાં કોરોના સંક્રમિત નવા દર્દીઓની સંખ્યામાં ઘટાડો નોંધાઈ રહ્યો છે. સતત ચોથા દિવસે એક હજારથી ઓછા કેસ નોંધાયા હતા. છેલ્લા 24 કલાકમાં કોવિડ-19ના નવા 990 કેસ નોંધાયા હતા. જ્યારે કોરોના સંક્રમણના કારણે વધુ 8 લોકોના મૃત્યુ સાથે ગુજરાતમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 4262 પર પહોંચ્યો છે. રાજ્યમાં કુલ સંક્રમિતોની સંખ્યા 2,39,195 પર પહોંચી છે.