પાલનપુરઃ માતા-પિતા માટે લાલબત્તી સમાન વધુ એક ઘટના સામે આવી છે. ગઈ કાલે સુરતમાં એક પાંચ વર્ષીય માસૂમ બાળકી તાવની દવા ગળવા જતાં દવા શ્વાસનળીમાં ફસાઈ જતાં મોતને ભેટી હતી, ત્યારે આજે પાલનપુરમાં અઢી વર્ષનો બાળક રમતા રમતા પાણીની ટાંકીમાં પડી જતાં મોતને ભેટ્યો છે. મામાને ઘરે ભાણેજનું મોત થતાં આખા ગામમાં અરેરાટી વ્યાપી ગઈ છે.
આ અંગેની વિગતો એવી છે કે, પાલનપુરના દેલવાડા ગામે અઢી વર્ષના બાળકનું પાણીની ટાંકીમાં પડી જતાં મોત નિપજ્યું છે. અઢી વર્ષનો પ્રિંન્સ રમતા રમતાં પાણીની ટાંકીમાં પડી જતા ડૂબવાથી મોત નિપજ્યું છે. મામાના ઘરે આવેલા ભાણેજનું મોત નિપજતા અરેરાટી વ્યાપી ગઈ છે. પોલીસકર્મી માતા અંબાજીમાં બંધોબસ્તમાં હતા અને પુત્રનું મોત નિપજ્યું હતું.
સુરતના લિંબાયત વિસ્તારમાં 5 વર્ષીય બાળકીનું તાવની દવા ગળવા જતાં મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવતાં સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. દવા બાળકીની શ્વાસનળીમાં ફસાઈ જતા બાળકીનું મોત નીપજ્યું હતું. 5 વર્ષની બાળકી મુસ્કાનનુ નિધન થતાં પરિવારમાં માતમ છવાયો છે. મુસ્કાન તાવની દવા ગળવા જતાં દવા શ્વસનનળીમાં ફસાઈ ગઈ હતી. જેને કારણે શ્વાસ ન લેવાતા બાળકી બેભાન થઈ ગઈ હતી. બાદમાં સિવિલમાં ખસેડાતા તેને મૃત જાહેર કરી હતી.
અન્ય એક ઘટનામાં, દાહોદમાં દીપડાનો આતંક સામે આવ્યો છે. 3 મહિનાના બાળકને દીપડાએ ફાડી ખાતા અરેરાટી વ્યાપી ગઈ છે. લીમખેડાના ટીમ્બા ગામની ઘટના છે. રાત્રી દરમિયાન ઘરમાં ઘૂસી માતા પાસે ઊંઘતા બાળકને દીપડો લઈ ગયો હતો. ઘરનું બારણું ખુલ્લું હોઈ દિપડો ઘરમાં પ્રવેશ્યો હતો.
3 મહિનાના બાળકને દીપડો ઉપાડી ગયો હતો. પરિજનોની શોધખોળમાં બાળકના માંસના ટુકડા ને કપડાં મળ્યા હતા. ઘટનાની જાણ વન વિભાગને કરતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા. મળેલ માંસને પોસ્ટમોર્ટમ માટે દાહોદ સિવિલમાં લવાયા હતા. ઘટનાથી વિસ્તારમાં ડર અને ભયનો માહોલ સર્જાયો છે.