ગીર સોમનાથઃ ગુજરાતમાં અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. મળતી જાણકારી અનુસાર, ગીર સોમનાથ જિલ્લાના સુત્રાપાડામાં નવ કલાકમાં 13 ઇંચ, કોડીનારમાં નવ કલાકમાં 11 ઇંચ અને વેરાવળ-સોમનાથમાં છ કલાકમાં 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેને પગલે સુત્રાપાડા અને કોડીનાર શહેર તથા પંથકમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ તો ભારે વરસાદને પગલે વેરાવળ-કોડીનાર વચ્ચે પેઢાવાડા પાસે હાઇવેનાં કામ અંતર્ગત કઢાયેલા રસ્તાઓ સોમત નદીના પૂરના પાણીમાં ગરકાવ થતાં વાહન-વ્‍યવહાર ખોરવાઇ જતાં બંન્નેને તરફ વાહનોની લાઇનો લાગી હતી. તો ગ્રામ્ય વિસ્તારના રસ્તાઓ અને ખેતરો પાણીમાં ગરકાવ થયાં છે. સૌથી વધુ વિકટ સ્થિતિ વાવડી ગામની છે. વાવડી ગામમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વાવડીમાં જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી નજરે આવે છે.ખેતરો બેટમાં ફેરવાઈ ગયા છે.


સુત્રાપાડા અને કોડીનારમાં ખાબકેલા વરસાદે ખેડૂતોના પાકને બરબાદ કરી દીધો છે. ખેડૂતોએ ઉત્સાહભેર ચોમાસા પાકનું વાવેતર કર્યું હતુ. જો કે ગઈકાલે ખાબકેલા 13 ઈંચ વરસાદથી મોટાભાગનો પાક ધોવાયો હતો. ખેડૂતોનો મહામૂલો પાક પાણીમાં ડૂબી ગયો છે.લાટી અને કદવાર ગામમાં ખેડૂતોને મોટું નુકસાન થયું છે.


ધોધમાર વરસાદના કારણે ગીર સોમનાથ જિલ્લાના ગીર ગઢડાનો દ્રોનેશ્વર ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે. ગીર જંગલમાં સારો એવો વરસાદ વરસ્યો હોવાથી તેનું પાણી નદી નાળાઓ મારફત ગીર ગઢડા તાલુકામાંથી પસાર થતી મછુન્દ્રી નદીમાં વહેતુ થયુ હતુ. જેના પગલે આ નદી ઉપર દ્રોણેશ્વર ધામ નજીક આવેલ દ્રોણેશ્વર ડેમમાં પાણીની ખૂબ આવક થઈ છે.


ગીર સોમનાથ જિલ્લામાં 24 કલાકથી વરસેલા વરસાદથી અનેક વિસ્તારો પ્રભાવિત થયા છે. જિલ્લાના નેશનલ હાઈવે પાણીમાં ગરકાવ થયો છે.  તો શહેરી વિસ્તારમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ડૂબ્યા છે. તો ગ્રામ્ય વિસ્તારમાં શરુઆતના સારા વિસ્તારથી ખેડૂતો ખુશખુશાલ થયા છે. તો ધોધમાર વરસાદથી કોડીનાર તાલુકાનું માલશ્રમ ગામ પાણીમાં ગરકાવ થયુ છે. ગામના અનેક ઘરમાં પાણી ઘૂસ્યા છે. તો શેરીઓમાં ગોઠણસમા પાણી ભરાયા છે. તો નેશનલ હાઈવે પર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. જિલ્લાના મોરડીયા-પેઢાવાળા વચ્ચે ડાયવર્ઝન પર વરસાદી પાણી ફરી વળતા બંને તરફનો વાહન વ્યવહાર ખોરવાયો છે. માલશ્રમ ગામમાં રસ્તાઓ પર નદીઓ વહેતી થઈ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. તો સિંગસર ગામ અને આસપાસના વિસ્તારો બેટમાં ફેરવાયા છે. સારા વરસાદથી કેટલાક વિસ્તારમાં ખેડૂતોને ફાયદો થયો છે. તો કેટલાક વિસ્તારમાં પહેલા જ વરસાદે ખેડૂતોને નુકસાન પહોંચાડ્યુ છે. તો વેરાવળ તાલુકાના ઉંબા ગામ પાસેની દેવકા નદીમાં પૂર આવતા ખેડૂતો ખુશખુશાલ થયા છે.