Gir Somnath: રાજ્યમાં ગૌચરની જમીન ધીમે ધીમે ઓછી થઇ હોય તેમ લાગી રહ્યું છે. જેના કારણે ઢોર-ઢાખર ગૌચરને બદલે હવે ગામ કે શહેરમાં આમે-તેમ રખડી રહ્યાં છે, આ કારણે ઘણા બધા અકસ્માતો અને અણબનાવો પણ બની રહ્યાં છે. પરંતુ હાલમાં એક ખાસ કિસ્સો સામે આવ્યો છે, જેમાં ગીર સોમનાથના કલેક્ટરે આવી ગૌચર જમીન પર દબાણ હટાવવાને લઇને ચીમકી ઉચ્ચારી છે. કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ સુત્રાપાડામાં એક ગ્રામ સભા દરમિયાન સરપંચ અને સભ્યોને ખખડાવતા આ વાત કહી હતી.


ગીર સોમનાથ જિલ્લામાં આજકાલ કલેક્ટરની ગ્રામ સભામાં હાજરી જોવા મળી રહી છે. હાલમાં જ જિલ્લાના સુત્રાપાડાના ધામળેજમાં એક ગ્રામ સભા યોજાઇ હતી, જેમાં કલેક્ટરની હાજરી જોવા મળી હતી. આ દરમિયાન કલેક્ટરે મીઠી અને રમૂજી ભાષામાં ચેતવણી આપતા કહ્યું કે, ગામમાં ગૌચરના દબાણો હટાવી લેજો.


ધામળેજમાં ગ્રામ સભા દરમિયાન જ્યારે કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા સંબોધન કરી રહ્યાં હતા, ત્યારે તેમને ગ્રામજનોને મીઠી ભાષામાં કહ્યું કે, ગામમાં સરકારી જમીન પર દબાણો વધી રહ્યાં છે. ગૌચરની જમીન પરના દબાણો નહીં ચલાવાય, હજુ પણ સમય છે કે, આ દબાણો હટાવી લેજો. કલેક્ટર જાડેજાએ સભામાં કટાક્ષ સાથે ઠપકો પણ આપ્યો હતો. ખરેખરમાં, ગ્રામસભામાં મહિલા સરપંચ ગેરહાજર રહેતા કલેક્ટર બગડ્યા હતા, અને તેમને કહ્યું હતુ કે, મહિલા સરપંચને બદલે પ્રતિનિધિ આવે તે ના ચાલે.