રાજ્યમાં ચોમાસા દરમિયાન પૂર અને કુદરતી હોનારતના લીધે ખેડૂતોને ભારે નુકસાન વેઠવાનો વારો આવે છે. ત્યારે ગુજરાત હાઇકોર્ટે પાક વીમાના વળતર મુદ્દે સરકારની સમિતિ દ્વારા તૈયાર કરાયેલા રિપોર્ટને ફગાવી દીધો હતો. વર્ષ 2017-2018માં અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે ગુજરાતના ખેડૂતોને ખરીફ પાકમાં થયેલા નુકસાની બદલ રાજ્ય સરકાર દ્ધારા પાક વીમાના વળતર અંગે રજૂ કરાયેલા રિપોર્ટને લઇને ગુજરાત હાઇકોર્ટે ગંભીર નારાજગી વ્યક્ત કરી હતી અને સરકારના વલણને લઇ ગંભીર સવાલો ઉઠાવ્યા હતા. ચીફ જસ્ટિસ સુનિતા અગ્રવાલ અને જસ્ટિસ પ્રણવ ત્રિવેદીની ખંડપીઠે એક તબક્કે સરકારના આ રિપોર્ટને નકારી કાઢ્યો હતો.


ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના રિપોર્ટ તૈયાર કર્યો હોવાની હાઈકોર્ટેની ટિપ્પણી                  


રાજ્યમાં વર્ષ 2017-2018 માં ભારે વરસાદના લીધે ખેડૂતોના પાકને ભારે નુકસાન થયું હતું. ત્યારે રાજ્ય સરકાર દ્વારા ખેડૂતોને પાક વીમા યોજના અંતર્ગત વળતર આપવા માટે સર્વે કરવામાં આવ્યો હતો.  પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના અંતગર્ત લાયકાત ધરાવતા ખેડૂતોને વળતર આપવા માટે સરકાર દ્વારા નિમાયેલી સમિતિએ યોગ્ય સર્વે ન કર્યો હોવાનું હાઇકોર્ટે અવલોકન કર્યું છે. ખેડૂતોની રજૂઆત સાંભળ્યા વિના જ સરકારની સમિતિએ રિપોર્ટ તૈયાર કર્યો હોવાની હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી.  


હાઇકોર્ટે કેટલાક ખેડૂતોના નામ બારોબાર કમી કરી દેવાતા સવાલ ઉઠાવ્યા હતા અને સરકારના પાક વીમાના વળતર અંગેના રિપોર્ટને યોગ્ય અને સંતોષજનક નહી હોવાની ટકોર કરી હતી. ખંડપીઠે સમગ્ર મામલે ખુલાસો માંગી વિગતવાર સોગંદનામું રજૂ કરવા સરકારને આદેશ આપ્યો હતો. નોંધનીય છે કે રાજ્યના 15,017 જેટલા ખેડૂતોને પાક વીમાના વળતર પેટે આશરે રૂપિયા 200 કરોડ રૂપિયાથી પણ વધુ રકમ લેવાની નીકળે છે જે મેળવવાની તેઓ રાહ જોઇને બેઠા છે.


બે અઠવાડિયામાં નવેસરથી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો  પણ આદેશ


 ગુજરાત હાઇકોર્ટ દ્વારા સરકારના આ રિપોર્ટને નકારી કાઢવામાં આવ્યો હતો. હાઈકોર્ટ સમક્ષ અરજી કરનાર અરજદારોના ક્લેમ બાબતે પણ કમિટીએ સુનાવણીની તક નહીં આપી હોવાનું હાઈકોર્ટે નોંધ્યું છે. આ ઉપરાંત બે અઠવાડિયામાં નવેસરથી રિપોર્ટ કોર્ટમાં રજૂ કરવાનો  પણ આદેશ કર્યો છે. આ અંગે આગામી સુનાવણી 26 જુલાઇએ હાથ ધરાશે. 


વર્ષ 2017-18માં અતિ ભારે વરસાદ અને પૂરની સ્થિતિના કારણે ગુજરાતના ખેડૂતોને ખરીફ પાકમાં થયેલ નુકસાની બદલ રાજ્યના બનાસકાંઠા, મોરબી, સુરત સહિતના વિવિધ જિલ્લાઓના ખેડૂતો તરફથી પોતાના હકના પાક વીમાના વળતર મુદ્દે ગુજરાત હાઇકોર્ટ સમક્ષ થયેલી ઢગલાબંધ રિટ અરજીઓ અને કેટલીક જાહેરહિતની અરજીઓની સુનાવણીમાં એડવોકેટ પથિક આચાર્યએ રજૂઆત કરી હતી કે વર્ષ 201-7-18માં ગુજરાતમાં ભારે વરસાદના કારણે ખેડૂતોને ખરીફ પાકમાં મોટાપાયે નુકસાન થયું છે.