Gir Somnath Rain: ગુજરાતના અનેક જિલ્લામાં મેઘરાજા મહેરબાન થયા છે.  આ દરમિયાન દ્વાદશ જ્યોતિર્લિંગ (Dwadash Jyotirling) સોમનાથ મહાદેવ (Somnath Mahadev) પર જળાભિષેક રૂપે બારે મેઘ ખાંગા થયા હોય તેમ સોમનાથ અને વેરાવળમાં બે કલાકમાં ચાર ઇંચથી વધુ (more than 4 inch rainfall in just two hours) વરસાદ પડ્યો હતો. જેના કારણે સોમનાથ મંદિર પર જાણે સાક્ષાત વરૂણદેવ જળાભિષેક કરતાં હોય તેવો નજારો જોઈ યાત્રિકો ધન્ય બન્યા હતા.  ધોધમાર 4 ઇચ વરસાદ બાદ અનેક રસ્તાઓ પર વરસાદી પાણી (water logging) ભરાયા હતા. વેરાવળ એસટી, જૂનાગઢ રોડ પર પાણી ભરાયા હતા.


હવામાન વિભાગ દ્વારા આજે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સુરત, નવસારી, વલસાડ, છોટાઉદેપુર, દમણ, દાદરા નગર હવેલી, જૂનાગઢ, ગીરસોમનાથ, અમરેલી, ભાવનગર, દીવમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં અત્યંત ભારે વરસાદની શક્યતા દર્શાવવામાં આવી છે. વડોદરા, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, રાજકોટ, જામનગર, પોરબંદર, દ્વારકા અને બોટાદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.


હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું કે,16થી 20 જુલાઈ સુધી અતિભારે વરસાદ ખાબકશે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને બેટીંગ કરશે. કેટલાક વિસ્તારોમાં 15 ઈંચ વરસાદ ખાબકશે.  સૌરાષ્ટ્ર, દ.ગુજરાત, અને મધ્ય ગુજરાતમાં આગાહી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 16 થી 18 જુલાઈ સુધી અતિભારે વરસાદ પડી શકે છે અને ત્યાર બાદ 20 જુલાઈ સુધી ભારેથી અતિભારે વરસાદ ખાબકશે તેવી આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદમાં પણ અતિભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે.


હવામાન વિભાગ દ્વારા મંગળવારે સવારે જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 214 તાલુકામાં વરસાદ નોંધાયો છે. રાજ્યમા સૌથી વધુ સુરતના ઉમરપાડામાં વરસાદ વરસ્યો છે. છેલ્લા 24 કલાકમાં 14 ઇંચ વરસાદ વરસ્યો છે. ભરૂચના નેત્રંગમાં સાડા સાત ઈંચ, નર્મદાના ગરૂડેશ્વરમાં છ ઈંચ, નર્મદાના નાંદોદમાં સવા પાંચ ઈંચ, નર્મદાના તિલકવાડામાં સવા ચાર ઈંચ, નવસારીના ચીખલીમાં ચાર ઈંચ, અમરેલીના લીલીયામાં પોણા ચાર ઈંચ, સુરતના મહુવામાં પોણા ચાર ઈંચ, સાબરકાંઠાના વિજયનગરમાં સાડા ત્રણ ઈંચ વરસાદ નોંધાયો છે.


આ પણ વાંચોઃ


ગુજરાતને અડીને આવેલા આ રાજ્યમાં પણ ફેલાયો બાળકો માટે જીવલેણ ચાંદીપુરા વાયરસ, જાણો કેટલો છે મૃત્યુદર