ગીર સોમનાથ: ગીર સોમનાથ જિલ્લાના તાલાળાના કોંગ્રેસના ધારાસભ્ય ભગવાન બારડને સુત્રાપાડની કોર્ટે ખનીજ ચોરીના કેસમાં બે વર્ષ અને નવ મહિનાની સજા ફટકારી છે. સાથે જ કોર્ટે તેમને દંડ પણ ફટાકાર્યો છે. કોંગ્રેસના ધારાસભ્યને 1995ના વર્ષના સરકારી ગોચર જમીનમાંથી ખનીજની ચોરી કરવાના ગુનામાં સજા મળી છે.

ભગવાન બારડ પર 1995મા સુત્રાપાડાની ગોચર જમીનમાંથી લાઈમસ્ટોન અને કાંકરીનું ગેરકાનૂની રીતે ખોદકામ કરાયું હતું અને પીખોર ગામેં માઇનિંગ લીઝ ધરાવતા ગોરધન જેઠા દેવળીયાના રોયલ્ટી પાસનો ઉપયોગ કરી ગોચરની જમીનમાંથી ગેરકાનૂની રીતે 2,83,525 મેટ્રિક ટન એટલે કે 2 કરોડથી પણ વધારે રૂપિયાની ખનીજ ચોરી કરી હતી. સુત્રાપડા પોલીસમા ભગવાન બારડ તેમજ અન્ય વિરુદ્ધ આઈપીસી 379 અને 420 વિરૂદ્ધ ફરિયાદ નોંધવામાં આવી હતી.

સુત્રાપાડાની ગૌચરની જમીનમાંથી વર્તમાન ધારાસભ્ય તરફથી 24 વર્ષ પૂર્વે ખનીજ ચોરી કરવામાં આવી હતી. આ કેસ સુત્રાપાડાની કોર્ટમાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહ્યો હતો. આ કેસમાં શુક્રવારે કોર્ટે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો. કોર્ટે તેમને ચોરીના ગુનામાં દોષિત જાહેર કરીને સજા ફટાકરી છે.