ગીર ગઢડાઃ શિક્ષક દિને જ ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડાના થોરડી ગામે શાળામાં જ એક શિક્ષકે ગળાફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરતા એક સુસાઇડ નોટ મળી આવી હતી. જેમાં મૃતક શિક્ષકે બે ટીપીઓ(તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી) અને એક આચાર્યના ત્રાસથી જીવન ટુંકાવ્યાનો ધડાકો કર્યો છે. પોલીસે સૂસાઇડ નોટ કબ્જે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


સૂસાઇડ નોટમાં લખ્યું છે કે, હું નોકરી અને ઉચ્ચ અધિકારીઓથી કંટાળી ગયો છું. હવે જીવવું નથી. તેમણે આગળ લખ્યું છે કે, શાળાના મેદાનમાં ફોરવીલમાં અંદર બોલાવી ટીપીઓ  ગૌસ્વામી તથા જયેશ રાઠોડ ઉપર જિલ્લા શિક્ષણ અધિકારીને દેવાના હોય તું દારૂ પીને નોકરી કરશ આવા બહાના કાઢી મારી પાસેથી રોકડા 25 લાખ માગેલ. આ મને રૂબરૂ બોલાવી વાત કરેલ. ફોન કરવાની ખાસ ના પાડેલ. મેં ગમે તેમ કરી રોકડા 25 લાખ રાઠોડ જયેશ તથા ગૌસ્વામીને આપેલ.


આજે બપોરના સમયે ગીરગઢડા તાલુકાના થોરડી ગામની શાળામાં ફરજ બજાવતા આચાર્ય ઘનશ્યામભાઈ અમરેલીયાએ શાળાના જ ઓરડામાં પંખા પર દોરડા વડે લટકી ગળેફાંસો ખાઈ લીધો હતો. શાળાના સ્ટાફનું ધ્યાન પડતા તુરંત જ પોલીસને જાણ કરી હતી. જેના પગલે પોલીસ અધિકારી સ્ટાફ સાથે દોડી આવી તપાસ હાથ ધરી શિક્ષકના મૃતદેહ પીએમ અર્થે ખસેડાયો હતો. શિક્ષક ઘનશ્યામભાઈએ ગળાફાંસો ખાતા પહેલા લખેલ એક સુસાઇડ નોટ પોલીસને મળી આવી હતી.


પોલીસને મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં મૃતક શિક્ષક ઘનશ્યામભાઈએ બે ટીપીઓ અને એક આચાર્ય દ્વારા તેમની પાસેથી મોટી રકમની માંગણી કરી ત્રાસ આપતા હોવાનો ગંભીર આક્ષેપ કર્યો છે. જ્યારે મળી આવેલ સ્યૂસાઈડ નોટમાં શિક્ષકની કોઈ સહી ન હોવાથી ખરેખર સૂસાઈડ નોટ તેમણે જ લખી છે કે પછી કોઈ અન્યએ જેવા અનેક સવાલ હાલ ચર્ચાય રહ્યા છે. મૃતક શિક્ષકે જ સુસાઇડ નોટ લખી છે કે કેમ તે અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.