જૂનાગઢઃ સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી કરતા વિજય પરમાર નામના યુવક સાથે વોટ્સએપ દ્વારા પરિચય કેળવીને પછી સેક્સ માણવા માટે બોલાવી નાણાં પડાવવાના કેસમાં મોટો ખુલાસો થયો છે. આ કેસમાં પોતાને ‘મનિષા પટેલ’ તરીકે ઓળખાવનારી યુવતીનું સાચું નામ શબાના છે. શબાના સુખનાથ ચોક, જુનાગઢ ખાતે રહેતા અમીરખાન બાબીની વાઈફ છે. શબાના અને અમીરખાન સાથે મળીને આ રીતે યુવકોને સેક્સ માણવાના બહાને બોલાવી તેમનાં અપહરણ કરીને નાણાં ખંખેરતાં હતાં. તેમની ગેંગમાં બીજા ત્રણ લોકો પણ હતાં ને પાંચેય આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

આ કેસમાં ફરિયાદ નોંધાવનારા વિજયભાઈને શબાનાએ પોતાની ઓળખ મનિષા પટેલ તરીકે આપીને વિડીયોકોલ મારફતે લલચાવી રૂબરૂ મળવા બોલાવ્યા હતા. શબાનાએ વિજય સાથે શારીરિક સંબંધો બાંધવાની લાલચ પણ આપી હતી. શબાનાને મળવા પહોંચેલા વિજયનું અમરેલી તાલુકાના બાબાપુર ખાતેથી અપહરણ કરીને દોઢ લાખ રૂપિયા પડાવાયા હતા. તેમની ફરિયાદને આધારે અમરેલી એસ.ઓ.જી ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી. ગણતરીના સમયમાં જ પાંચેય આરોપીને પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા છે.

આ પકડાયેલા આરોપીમાં મનિષા પટેલ અલગ અલગ નામથી અલગ-અલગ જિલ્લામાં લોકોને રંગરેલિયાં મનાવવાના બહાને ફસાવતી હતી. પોલીસે પૂછપરછ કરતા તેમને માહિતી મળી કે, તેમણે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન ધારી અને અમરેલી એમ અમરેલી જિલ્લામાં ત્રણ વખત લોકોને હનીટ્રેપમાં ફસાવ્યા હતા.

આ સિવાય રાજકોટ, અમદાવાદ, ભાવનગર અને અન્ય જિલ્લાઓમાં શબાનાએ હંસાબા, મનિષા પટેલ જેવા વિવિધ નામોથી અનેક લોકોને ફસાવ્યા હોવાનું પોલીસે જણાવ્યું છે. પકડાયેલા આરોપીમાં બટુક ઉર્ફે રણવીર નારાયણભાઈ મોરપુરા (રહેવાસી કુબા વિસાવદર તાલુકો) અને શબાના ઉર્ફે હંસાબા ઉર્ફે મનિષા પટેલનો સમાવેશ થાય છે. આ બંને આરોપી હનીટ્રેપના મુખ્ય સૂત્રધાર છે. અન્ય ત્રણ આરોપીઓ જુદા જુદા લોકોની માહિતી મેળવી તેમના મોબાઈલ નંબર શોધીને બટુક તથા શબાના ઉર્ફે મનિષા પટેલને પહોંચાડતા હતા. અન્ય આરોપી જયેશ ઉર્ફે ભોલો કિશોરભાઈ ખાવડીયા (રહેવાસી બીલખા), સાજણ ગઢવી (રહેવાસી ભાડેર, તાલુકો ધારી) અને પ્રદીપ ઉર્ફે પદુ ભુપત પરમાર (રહેવાસી ભોરીગડા તાલુકો લીલીયા જિલ્લો અમરેલી) છે. આ પાંચેય આરોપીઓ મળી અને અનેક લોકોને પ્રેમજાળમાં ફસાવી રૂબરૂ મળવા બોલાવી વિવિધ ક્લિપો બનાવી બ્લેકમેલ કરી અને પૈસા પડાવતા હતા.