Gira Dhodh: ગુજરાતમાં સતત વરસી રહેલા વરસાદના કારણે અનેક જગ્યાએ નદી-નાળા અને જળાશળો ભરપુર છલોછલ થઇ ગયા છે, એટલુ જ નહીં ગુજરાતના મોટાભાગના ધોધ પણ જીવંત થયા છે. આ બધાની વચ્ચે ડાંગ જિલ્લામાં આવેલા ગીરા ધોધની નવી તસવીરો સામે આવી છે, જેમાં તે સોળે કળાએ ખીલેલો જોવા મળી રહ્યો છે.
હાલમાં ડ્રૉન દ્વારા લેવામાં આવેલી ગીરા ધોધની તસવીરો સામે આવી છે, ચોમાસાની સિઝનમાં ગીરા ધોધની આ આકર્ષક અને નયનરમ્ય તસવીરો છે, ડાંગ જિલ્લાના સૌથી ઉંચો ગણાતો ગીરા ધોધ જેને ગીરમાળ ધોધ પણ કહેવામાં આવે છે, તે સોળેકળા એ ખીલી ઉઠ્યો છે. આ ગીરા ધોધ જિલ્લાના સુબીર તાલુકાના ગાઢ જંગલમાં આવેલો છે, અને પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર પણ છે.
ઉપરવાસમાં પડી રહેલા ભારે વરસાદના કારણે પવર્તોની વચ્ચે જંગલમાં આવેલા આ ગીરા ધોધ સક્રિયા થયો છે. અહીં પ્રવાસીઓ માટે ઉત્તર વનવિભાગ દ્વારા ખાસ સુવિધાઓ પણ ઉભી કરવામાં આવી છે.
ડાંગ સહિતના જિલ્લાઓમાં હજુ પણ ભારે વરસાદની આગાહી
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ, બનાસકાંઠા, દ્વારકા, રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, આણંદ અને વડોદરામાં સામાન્ય વરસાદની આગાહી છે. હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરના એસજી હાઈવે, એસપી રીંગ રોડ, ઈસ્કોન, વૈષ્ણોદેવી, શેલા, બોપલ, પ્રહલાદનગર, શિવરંજની, શ્યામલ, જીવરાજ પાર્ક સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. ગુજરાત રિજનમાં આગામી 24 કલાક દરમિયાન કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. જેમાં સુરત, ડાંગ, નવસારી, તાપીમાં ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે. અમદાવાદમાં હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ચોમાસાની સિઝનનો 75.63 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 134 ટકા, સૌરાષ્ટ્રમાં 108 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. દક્ષિણ ગુજરાતમાં 66 ટકા, ઉત્તર ગુજરાતમાં 62 ટકા તો મધ્ય ગુજરાતમાં સિઝનનો 56 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાજ્યના 43 તાલુકામાં 40 ઈંચથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે. 94 તાલુકામાં 20થી 40 ઈંચ, તો 104 તાલુકામાં 10થી 20 ઈંચ સુધીનો વરસાદ નોંધાયો છે. સૌરાષ્ટ્રના છ જિલ્લામાં 100 ટકાથી વધુ વરસાદ વરસી ચૂક્યો છે.રાજ્યના 206 જળાશયો પૈકી 122 જળાશયો હાઈએલર્ટ પર છે. 20 જળાશયો એલર્ટ અને તો 16 જળાશયો વોર્નિંગ પર છે. 84 જળાશયોમાં 70 ટકાથી વધુ જળસંગ્રહ છે.