જૂનાગઢ: ગુજરાતમાં છેલ્લા ત્રણ દિવસથી કમોસમી વરસાદ વરસી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં પણ ભારે વરસાદ વરસ્યો છે. કમોસમી વરસાદને કારણે ગિરનારની લીલી પરિક્રમા પર સંકટના વાદળો ઘેરાયા છે. જૂનાગઢ શહેર અને ગિરનારમાં ધીમીધારે વરસાદ પડી રહ્યો છે, તેને કારણે ગિરનારના જંગલમાં સામાન્ય સ્થિતિમાં ચાલીને નીકળવું પણ મુશ્કેલ છે. આવી સ્થિતિમાં પરિક્રમાના માર્ગ પર અન્નક્ષેત્ર ખોલીને પરિક્રમાર્થીઓને ભોજન-પ્રસાદ પૂરો પાડતી સંસ્થાઓના સંચાલકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે. વરસાદની સ્થિતિને ધ્યાને રાખીને પરિક્રમાના માર્ગ પર અન્નક્ષેત્રોની સામગ્રી લઈ જવા માટે વાહનો ન લઈ જવાની વિનંતી કરી છે.
લીલી પરિક્રમા રુટ પર રસ્તાઓ ધોવાયા
ગિરનારની લીલી પરિક્રમા પર હવે સંકટના વાદળો ઘેરાઈ શકે છે. એક અઠવાડિયાથી સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. ગિરનારમાં જંગલમાં પરિક્રમાના રુટ પર ચાલવું મુશ્કેલ છે. લીલી પરિક્રમાને પણ કમોસમી વરસાદનો અવરોધ નડ્યો છ. 50 લાખના ખર્ચ તૈયાર થયેલા રસ્તાઓ ધોવાયા છે. પરિક્રમાર્થીઓને તંત્રની સૂચના ન મળે ત્યાં સુધી ન આવવા અપીલ કરવામાં આવી છે.
વરસાદમાં વન્ય પ્રાણીઓની પણ પરિક્રમા રૂટ પર આવવાની દેહશત છે. વહીવટી તંત્ર પણ હાલ પરિક્રમા રૂટ પર જઈ શકે તેવીસ્થિતિમાં નથી. કમોસમી વરસાદને કારણે પરીક્રમા રૂટનું ધોવાણ થયું છે. હાલ જંગલના રસ્તા પર જઈ શકાય તેવી પરિસ્થિતિ નથી. રસ્તા પર અતિશય કીચડ થઈ ગયો હોવાથી વાહનો ફસાઈ શકે છે. વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. અન્નક્ષેત્રો અને ઉતારા મંડળ માટે અગત્યની અપીલ કરવામાં આવી છે. તંત્ર દ્વારા કોઈ સૂચના આપવામાં ન આવે ત્યાં સુધી અન્નક્ષેત્રના વાહનો પરિક્રમા રૂટ પર ન લાવવા અપીલ કરાઈ છે.
તંત્ર તરફથી સૂચના આપવામાં આવી
ઉતારા મંડળ દ્વારા પણ તમામ અન્નક્ષેત્ર અને ઉતારા ચલાવતી સંસ્થાને જાણ કરવામાં આવી છે કે જ્યાં સુધી તંત્ર તરફથી સૂચના ન મળે ત્યાં સુધી પરીક્રમા રૂટ પર પ્રવેશ કરવો નહીં. વન વિભાગ અને વહીવટી તંત્ર દ્વારા સુરક્ષા હેતુ વૃધ્ધો અને બાળકો ને પરીક્રમા ટાળવા અપીલ કરાઈ છે. હાલ પરીક્રમા રૂટ પર કીચડ વાળા રસ્તાને કારણે પ્રવેશબંધી કરવામાં આવી છે.