રાજ્યમાં વધતી ગુનાખોરી ચોરી, લૂંટ અને ધાડની ઘટનાઓનો શિકાર હવે ધારાસભ્ય પણ બન્યા છે. મળતી જાણકારી અનુસાર,  ભિલોડાના ધારાસભ્ય અને પૂર્વ પોલીસ અધિક્ષક પી.સી.બરંડાના ભિલોડાના વાંકાટીંબા ખાતેના ઘરમાં  લૂંટારૂઓએ લૂંટ ચલાવી હતી. ધારાસભ્યના પત્નીને બંધક બનાવીને લાખો રૂપિયાના સોના ચાંદીના દાગીના લૂંટીને લૂંટારૂંઓ ફરાર થઈ ગયા હતા.

Continues below advertisement

ધારાસભ્યના ઘરે લૂંટ થઇ હોવાની જાણ થતા જિલ્લા પોલીસ અધિક્ષક સહિત પોલીસનો મોટો કાફલો બરંડાના નિવાસસ્થાને પહોંચ્યો હતો. હાલમાં વિધાનસભાનું સત્ર ચાલતુ હોવાથી ધારાસભ્ય બરંડા ગાંધીનગરમાં હતા. લૂંટના સમાચાર મળતા પી.સી.બરંડા પણ ગાંધીનગર વતન પહોંચ્યા હતા.  સામાન્ય નાગરિક તો ઠીક હવે આ લૂંટારૂં ગેંગથી ધારાસભ્યનું નિવાસસ્થાન પણ ન બચે તેવી સ્થિતિ સર્જાતા પોલીસમાં હડકંપ મચી ગયો છે. સાથે જ સામાન્ય નાગરિકોમાં ભયનો માહોલ છે.

Continues below advertisement

આ મામલે ધારાસભ્ય બરંડાએ કહ્યું કે મારા પત્નીને બંધક બનાવીને લૂંટ ચલાવવામાં આવી છે. તિજોરીની ચાવી લઈને લૂંટ ચલાવી હતી. પાડોશીના મોબાઇલથી મારી પત્નીએ ફોન કર્યો હતો. સમાચાર મળતા હું ગાંધીનગરથી ઘરે પહોંચ્યો છું

પ્રદેશ કોગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ કહ્યું હતું કે ગૃહ વિભાગ ભ્રષ્ટાચારનું એપી સેન્ટર છે. રાજ્યમાં ગુનાખોરી વધી રહી છે. સબ સલામતના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. કાયદો વ્યવસ્થાની સ્થિતિ સુધારવી પડશે. નોંધનીય છે કે અરવલ્લી એસપી સહિત જિલ્લાનો મોટો પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. ડોગ સ્ક્વોડ અને એફએસએલની મદદ લેવામાં આવી રહી છે. ભાજપના ધારાસભ્યના ઘરમાં લૂંટની ઘટનાથી ચકચાર મચી ગઇ હતી.

નોંધનીય છે કે તાજેતરમાં જ વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું હતું કે અમદાવાદ શહેર અને જિલ્લામાં છેડતી અને બળાત્કાર અને મહિલા પરના અત્યાચારોના ગુના સૌથી વધુ નોંધાયા છે. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં 343 ગુનેગાર પકડવાના બાકી છે. વિધાનસભા ગૃહમાં ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ લેખિતમાં જવાબ આપ્યો હતો. જેમાં તેમણે કહ્યું કે છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાંથી 15782 ગુનેગાર પકડાયા. અમદાવાદ શહેર જિલ્લામાં છેલ્લા 2 વર્ષમાં ચોરીના 8055 ગુના નોંધાયા છે. લૂંટના 322, ધાડના 39, છેડતીના 531, બળાત્કારના 875 ગુના બન્યા હતા. છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેર અને જિલ્લામાં હત્યાના 275, મહિલા અત્યાચારના 2209 અને રયોતિંગના 153 ગુના નોંધાયા હતા.