પાલનપુર: પાલનપુરમાં સિંચાઈ વિભાગમાં ફરજ બજાવતા યુવકને સાથે કામ કરતી યુવતી સાથે પ્રેમ થયો હતો અને શારીરિક સંબંધો બંધાયા હતા. તેના કારણે કર્મચારીએ યુવતીને ત્રણ વાર તલ્લાક બોલીને દીકરી સાથે ઘરમાંથી કાઢી મૂકતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

વડગામના જુનીનગરીની આ યુવતીના લગ્ન 8 જુન 2012ના રોજ હેબતપુરમાં રહેતા અને પાલનપુરની સિંચાઇ વિભાગમાં ફરજ બજાવતા સરફરાજખાન મહમદખાન બિહારી સાથે થયા હતા. લગ્ન જીવન દરમ્યાન દીકરીનો જન્મ થયો હતો. સરફરાજખાનને તેમની સાથે ફરજ બજાવતી એક યુવતી સાથે આડા સંબંધ બંધાયા હતા.

આ સંબંધની જાણ યુવતીને થતાં યુવતીએ પતિને સંબંધો તોડી નાંખવા કહ્યું હતું. પતિએ તેની વાત ના માનતાં તો યુવતિએ સાસુ મેરૂનિશાબાનુ અને નણંદ સુલતાનાબેન ઉર્ફે સમીનાબેનને જાણ કરી હતી. સાસુ અને નણંદે પણ તેને દહેજ નહીં લાવી હોવાનું કહીને મહેણાં માર્યાં હતાં.

દરમિયાન એક વર્ષ પહેલાં સરફરાજખાન તેની પ્રેમિકા સાથે ભાગી ગયો હતો પણ સમાધાન થતાં પાછો આવ્યો હતો. એક સપ્તાહ અગાઉ સરફરાજખાનની પ્રેમિકાએ દીકરાને જન્મ આપ્યો હતો. 17 સપ્ટેમ્બરે સાંજે યુવતીને પતિ, સાસુ અને નણંદે આવી પેંડા આપ્યા હતા. એ વખતે યુવતીને પતિના જૂઠાણાની ખબર પડી હતી.

યુવતીએ વાંધો લેતાં સાસુ, નણંદ અને પતિએ યુવતિને ગાળો આપી હતી. તેના પતિએ યુવતીએ માર મારી ઘરની બહાર નીકળી જવાનુ કહ્યું હતું. તેણે ત્રણ વાર તલ્લાક બોલીને યુવતીને તલ્લાક આપ્યા હતા. સાથે સાથે ફરી ઘરમાં આવી તો યુવતી અને તારી દીકરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

આ ધમકીથી ડરી ગયેલી યુવતીએ તેના પતિ સરફરાજખાન મહમદખાન બિહારી, સાસુ મેરૂનિશાબાનું મહમદખાન બિહારી તેમજ નણંદ સુલતાનાબેન ઉર્ફે સમીનાબેન મહમદખાન બિહારી સામે ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.